(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગતરોજ તા.૨ જીને સોમવારના રોજ હોળી પર્વને લઈને હોલિકા દહન કરવામાં આવ્યું હતું.હોળીના બીજા દિવસે રંગોનું પર્વ ધુળેટી મનાવવામાં આવે છે,પરંતું આજે તા.૩ જીના રોજ ચંદ્રગ્રહણ હોઈ ચંદ્રગ્રહણ દરમ્યાન ધુળેટી રમવી શુભ માનવામાં નથી આવતું તેથી ઝઘડિયા તાલુકામાં તા.૪ થીને બુધવારે ધુળેટી પર્વ ઉજવાશે.આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ છે,પંડિતોના મતે જેની અસર દેશ અને દુનિયા સહિત મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓ પર જોવા મળશે,જે મુજબ કેટલીક રાશિઓને ચંદ્રગ્રહણનો લાભ મળશે, તો કેટલીક રાશિઓને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.વધુમાં મળતી વિગતો મુજબ આજનું ચંદ્રગ્રહણ સિંહ રાશિના અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ બપોરે ૩-૨૦ વાગ્યે શરૂ થશે અને સાંજે ૬-૪૭ વાગ્યે સમાપ્ત થશે.આ ગ્રહણ ભારતમાં દેખાશે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચંદ્રગ્રહણ મેષ રાશિથી મીન રાશિ સુધીની તમામ ૧૨ રાશિઓને અસર કરશે.વિજ્ઞાન મુજબ ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે,ત્યારે આ ત્રણેય ગ્રહો એક સીધી રેખામાં આવી જાય છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે,ત્યારે ચંદ્રગ્રહણ થયું એમ કહેવાય છે.જોકે ચંદ્રગ્રહણ સાથે ધાર્મિક માન્યતાઓ જોડાયેલ હોઈ ચંદ્રગ્રહણ દરમ્યાન યાત્રા,ધાર્મિક કાર્યક્રમ તેમજ શુભ કામો પ્રતિબંધિત મનાતા હોય છે,તેથી ઝઘડિયા તાલુકામાં ધુળેટીનું પર્વ આવતીકાલ તા.૪ થીને બુધવારે મનાવવામાં આવશે.આજે ચંદ્રગ્રહણ હોવાથી સામાન્યરીતે લોકો પ્રવાસ કરવાનું ટાળતા હોઈ ઝઘડિયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ પરથી પસાર થતા વાહનો રોજની તુલનામાં ઓછા જણાતા હતા.




