– સિંચાઈના પાણી વિના અનેક ખેતરોમાં લહેરાતો પાક મુરઝાઈ રહ્યો છે
ભરૂચ,
આમોદ તાલુકામાં ભીમપુરા વિસ્તારમાં આવેલી નર્મદા નિગમની માઈનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.એક વર્ષ પહેલા જ રીપેરિંગ કરવામાં આવેલી આ નહેરમાં ફરીથી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા.
નર્મદા નહેર નિગમ દ્વારા નહેરોની સફાઈ અને જાળવણી અંગે કરવામાં આવતા દાવાઓ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.નહેરોમાં અનેક જગ્યાએ ગાંડા બાવળ અને ઝાડીઝાંખરા જોવા મળતાં અધિકારીઓની યોગ્ય દેખરેખનો અભાવ દેખાઈ રહ્યો છે.જે અધિકારીઓની બેદરકારીને કારણે અનેક ગામના ખેડૂતો સિંચાઈના પાણી વિના હેરાન પરેશાન બન્યા છે.અને તેમનો મહામૂલો પાક સિંચાઈ વિના મુરઝાઇ રહ્યો છે.જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ તંત્રને ચેતવણી આપી હતી કે જો વહેલી તકે નર્મદા નિગમ દ્વારા સમગ્ર પંથકમાં કેનાલનાં ગાબડાની મરામત નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી નિગમની કચેરીને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરશે.




