– અફરાતફરી વચ્ચે સ્થાનિકોએ મેળવ્યો કાબુ
ભરૂચ,
વાગરાથી ખંડાલી જતા મુખ્ય માર્ગ પર આવેલ એક બાઈકના ગેરેજમાં આજે સાંજે એકાએક એક મોટર સાયકલમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં મોટર સાયકલ આગની જપેટમાં આવી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા-ખંડાલી રોડ પર સ્થિત ગેરેજમાં કેટલીક મોટર સાયકલો રિપેરિંગ માટે ઉભી હતી.આ પૈકીની એક બાઈકમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને પળવારમાં જ આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી.ગેરેજમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ વધુ ભયાનક બને તેવી ભીતિ સેવાઈ રહી હતી.જેને પગલે ગેરેજ સંચાલક અને આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આગ લાગતા જ આસપાસના દુકાનદારો અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી પાણી અને માટીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદ્દનસીબે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને બુઝાવી દેવામાં આવી હતી.જેથી મોટો અકસ્માત ટળ્યો હતો.જોકે સ્થાનિકો આગ ઓલવે ત્યાં સુધીમાં મોટર સાયકલનો મોટો ભાગ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.જેનાથી વાહન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.આ ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે પરંતુ સચોટ કારણ હજુ જાણી શકાયું નથી.




