– બનાવ સંદર્ભે પોલીસ અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગે તપાસ આરંભી
ભરૂચ,
વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.સોલ્ટ પરિસરમાં ફરજ બજાવતા એક શ્રમિક પર અચાનક લોખંડનો ભારેખમ શેડ અને કાટમાળ તૂટી પડતા દબાઈ જતા તેનું કરુણ મોત નીપજતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરાના ગંધાર સોલ્ટમાં રોજ બરોજ ચાલતી કામગીરી મુજબ કામગીરી ચાલી રહી હતી.આ દરમ્યાન અચાનક કંપનીનો એક જર્જરિત લોખંડનો શેડ ધરાશાયી થયો હતો. કમનસીબે ત્યાં કાર્યરત રમેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ ધરાશયી થયેલા લોખંડના કાટમાળ નીચે દબાઈ ગયા હતા.દુર્ઘટના એટલી ગંભીર હતી કે રમેશભાઈને કાટમાળ માંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ઘટનાને પગલે શ્રમિકોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથધરી છે.
અહીં સવાલ એ છે કે સોલ્ટ દ્વારા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું? શેડ જર્જરિત હોવા છતાં તેનું સમારકામ કેમ કરવામાં ન હોતું આવ્યું? સમગ્ર સવાલોને લઈને પોલીસ અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ તપાસ કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.




