(ગણપત મકવાણા,પંચમહાલ)
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મુસાફરો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને એક વ્યાપક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને NDRFના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કવાયતનો મુખ્ય હેતુ કોઈપણ આકસ્મિક આપત્તિ કે કટોકટીના સમયે વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન સાધવાનો અને પ્રતિસાદની ગતિ ચકાસવાનો હતો.
આ સુરક્ષા કવાયતમાં NDRFની ટીમની સાથે સ્થાનિક પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સક્રિય રીતે જોડાઈ હતી. વધુમાં, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડના નિષ્ણાતોએ પણ આ કામગીરીમાં ભાગ લીધો હતો જેનાથી સમગ્ર ઓપરેશન વધુ ચુસ્ત બન્યું હતું.
મોકડ્રિલ દરમ્યાન ખાસ કરીને રોપ-વેમાં ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર મુસાફરો હવામાં ફસાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.NDRFના જવાનોએ અત્યાધુનિક સાધનોની મદદથી ઊંચાઈ પર ફસાયેલા મુસાફરોને અત્યંત સલામત રીતે નીચે ઉતારવાનું જીવંત પ્રદર્શન કર્યું હતું.ત્યાર બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની પ્રક્રિયા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે સમગ્ર કવાયતનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમની સજ્જતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
પાવાગઢ જેવા ધાર્મિક સ્થળે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે મુસાફરોની સુરક્ષા અત્યંત મહત્વની છે.આ પ્રકારની મોકડ્રિલથી આપત્તિના સમયે જીવ બચાવવા માટેની ક્ષમતા વધે છે અને સાધનોનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રત્યક્ષ તાલીમ મળે છે.તંત્રની આ સજ્જતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.




