– સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ” વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળામાં સહભાગી થયેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રાષ્ટ્રનાયક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બંને મંત્રીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યાર બાદ તેઓ વ્યુઈંગ ગેલેરી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી સરદાર સરોવર નર્મદા ડેમ, આસપાસના પર્વતીય વિસ્તાર અને નર્મદા નદીના મનોહર દ્રશ્યોનું અવલોકન કરી એકતાનગરમાં વિકસિત થયેલી વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટર બુકમાં પોતાના ભાવ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “ભારતની એકતાના સૂત્રધાર, રિયાસતોના વિખેરાયેલા મોતીને એક સૂત્રમાં ગૂંથી મા ભારતીના કંઠનો હાર બનાવનાર મહામાનવની વિશ્વની સર્વોચ્ચ પ્રતિમાનું નિર્માણ માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી અર્પિત થયેલું શ્રદ્ધાસુમન છે. આ પ્રેરણાસ્થળના માત્ર દર્શન જ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની અદભૂત પ્રેરણા જાગૃત કરે છે.આ વિચારના અધિષ્ઠાતાને અભિનંદન. મહામાનવને શ્રદ્ધાના સુમન.”
કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ એવા મહામાનવ હતા જેમણે સમગ્ર ભારતવર્ષના નાગરિકો અને ભાવી પેઢી માટે એકતા અને અખંડિતતાનું સ્વપ્ન જોયું હતું અને તેને સાકાર પણ કર્યું હતું.તેમણે ભારતને એકતાના અખંડ સૂત્રમાં બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું, જેના માટે સમગ્ર રાષ્ટ્ર સદૈવ ઋણી રહેશે.




