– તા.૧૫ મે ૨૦૨૬ સુધીમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન અને શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે
ભરૂચ,
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.આ શિષ્યવૃત્તિ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે અને તેમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૬ માં લેવાયેલી આ પરીક્ષામાં ભરૂચ જિલ્લાના કુલ ૨૪૪૯ વિદ્યાર્થીઓ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયા છે.મેરિટમાં સ્થાન મેળવનાર આ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને શાળા પસંદગીની પ્રક્રિયા તારીખ ૮-૫-૨૦૨૬ થી શરૂ કરવામાં આવી છે જે ૧૫-૦૫-૨૦૨૬ સુધી ચાલશે.
ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ સુધીમાં આ યોજના હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે,જેમાં ધોરણ ૯ ના ૪૨૭, ધોરણ ૧૦ ના ૪૨૩ અને ધોરણ ૧૧ ના ૩૮૬ મળીને કુલ ૧૨૨૬ વિદ્યાર્થીઓ હાલમાં આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી રહ્યા છે.આ યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરોમાં વિવિધતા રાખવામાં આવી છે.જેમાં ધોરણ ૯ અને ૧૦ માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ૬,૦૦૦,જ્યારે એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ૨૨,૦૦૦ આપવામાં આવે છે.તેવી જ રીતે ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ૭,૦૦૦ અને એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ૨૫,૦૦૦ ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.




