જંબુસર શહેરમાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે આરો પ્લાન્ટ સંચાલકોની મનમાની : નાગરિકોમાં રોષ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર શહેરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. નગરપાલિકા દ્વારા નિયમિત અને પૂરતું મીઠું પાણી ન મળતા શહેરના અનેક વિસ્તારોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગરમીના દિવસોમાં પાણીની જરૂરિયાત વધતા નાગરિકો મજબૂરીવશ ખાનગી આરો પ્લાન્ટ પરથી પાણી ખરીદવા માટે નિર્ભર બન્યા છે.આ અંગે શહેર ના જાગૃત નાગરીક પીનલબેન સંજય ભાઈ પટેલ દ્વારા પીવા ના પાણી ના ભાવ વધારા સામે સહીં ઝુંબેશ ચલાવી હતી અને આજરોજ આવેદન પત્ર આપ્યું હતુ ત્યારે બીજી બાજુ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર માં પીવાના પાણી અને ગટરોની સફાઈ તથાં વરસાદી કાંસોની અધૂરી સફાઈ ના મુદ્દે આવેદન આપ્યું હતું.

શહેરમાં આવેલા ખાનગી આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. અગાઉ એક પાણીની બોટલ માટે 10 રૂપિયા લેવામાં આવતા હતા, જ્યારે હાલમાં કોઈ પૂર્વ સૂચના કે કારણ વિના તે જ બોટલના 15 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે તથા લિટરમાં પણ ઘટાડો હોવાનું સામે આવ્યું છે.આ ભાવવધારાથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજો વધ્યો છે.સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળતા રહેતા લોકો પાસે આરો પાણી ખરીદવા સિવાય વિકલ્પ બચ્યો નથી.આવી સ્થિતિમાં આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા મનફાવે તેવો ભાવ વસૂલાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શહેરમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતની સમસ્યા સામે હોવા છતાં જંબુસર નગરપાલિકા દ્વારા યોગ્ય ધ્યાન કેમ આપવામાં આવતું નથી. પાણીના ભાવમાં વધારાની બાબતે તંત્ર દ્વારા કોઈ દેખરેખ કે નિયંત્રણ છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

શહેરજનોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક મીઠા પાણીની સુવિધા સુધારે તેમજ ખાનગી આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવેલા ભાવવધારાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે, જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!