– કલેકટર કચેરી દ્વારા નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલતા.૧૭ મે થી ૩૧ મે સુધી ઓનલાઈન માહિતી ભરી શકાશે
ભરૂચ,
ભારતની વસ્તી ગણતરી-૨૦૨૭ ના ભાગરૂપે નાગરિકોને વધુ સરળ અને સુવિધાજનક રીતે માહિતી આપવા માટે ‘સ્વ-ગણના’ (Self Enumeration) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને નાગરિકો વધુમાં વધુ સહભાગી બને તે માટે ભરૂચ જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેકટર દ્વારા જાહેર જનતાને એક યાદી જાહેર કરી અપીલ કરવામાં આવી છે.આ પ્રક્રિયા અંતર્ગત જિલ્લાના નાગરિકો તા.૧૭/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ દરમ્યાન પોતાના મોબાઈલ ફોન, ટેબલેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકશે.આ પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ, સુરક્ષિત અને સમય બચાવનાર છે.સ્વ-ગણના પૂર્ણ થયા બાદ, તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ દરમ્યાન બીજા તબક્કામાં ઘરયાદી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.
નાગરિકોએ સ્વ-ગણના માટે સત્તાવાર વેબસાઇટ https://se.census.gov.in પર જઈને પોતાની વિગતો ભરવાની રહેશે. વસ્તી ગણતરી અંગેના કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણના ઉકેલ માટે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર ૧૮૫૫ પણ કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો નાગરિકો ઉપયોગ કરી શકશે.
ઓનલાઇન સ્વ-ગણના કર્યા બાદ સિસ્ટમ દ્વારા એક Self Enumeration ID જનરેટ થશે.નાગરિકોને આ આઈડી સાચવીને રાખવા વિનંતી છે.જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારી (ગણતરીદાર) ઘરયાદી ગણતરી માટે આપના ઘરે રૂબરૂ મુલાકાત લે, ત્યારે આ જનરેટ થયેલ Self ID તેમની સાથે શેર કરવાનો રહેશે.
ભરૂચ જિલ્લામાં આ સમગ્ર કામગીરીના સુચારુ આયોજન અને દેખરેખ માટે કુલ ૧૮ ચાર્જ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.જેમાં નોડલ ઓફીસર તરીકે અર્પિત ત્યાગી (મો. ૮૭૫૦૪૯૬૯૧૦) સેવા આપી રહ્યા છે.આ ઉપરાંત વાગરા, ભરૂચ, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, હાંસોટ, અંકલેશ્વર, આમોદ અને જંબુસરના મામલતદારો તેમજ વિવિધ આઈએનએ અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓને ચાર્જ ઓફીસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
વસ્તી ગણતરીના આંકડા એ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, માળખાકીય વિકાસકાર્યો, આરોગ્ય, શિક્ષણ, રોજગાર તેમજ પાયાની આધારભૂત સુવિધાઓના સચોટ આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. આથી, દેશના વિકાસકાર્યમાં ભાગીદાર બનવા અને સરકારને સાચી તથા સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ભરૂચ જિલ્લાની તમામ જનતાને વસ્તી ગણતરી-૨૦૨૭ ની આ ડિજિટલ સ્વ-ગણના પ્રક્રિયામાં ઉત્સાહભેર અને સક્રિય રીતે ભાગ લેવા જિલ્લા વસ્તી ગણતરી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.




