ભરૂચ,
BAPS ભરૂચ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે, સ્વામિનારાયણ ઝાડેશ્વર મંદિર, ભરૂચ દ્વારા ભવ્ય “માનવ ઉત્કર્ષ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવને અનુલક્ષીને ભરૂચના SVMIT હોલ એમ.કે. કોલેજ ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા અને પ્રેરણાદાયી મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તા.20 મે થી 24 મે, 2026 દરમ્યાન વિશેષ પારાયણ તથા આધ્યાત્મિક પ્રવચન શ્રેણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનવ જીવનના ઉત્કર્ષ, શાંતિ અને આધ્યાત્મિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશ સ્વામી તેમજ પૂજ્ય વિમલસ્મરણ સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
“માનવ ઉત્કર્ષ મહોત્સવ” અંતર્ગત પ્રેરણાદાયી પ્રવચનો સાથે વૈદિક મહાપૂજા, પારિવારિક શાંતિ યજ્ઞ, રક્તદાન યજ્ઞ,વ્યસનમુક્તિ અભિયાન,સોશ્યલ મીડિયામાં સાવધાની, પ્રકૃતિ સંવર્ધન, પ્રેરક પ્રદર્શન, ગૌ સેવા અને પવિત્ર પ્રસાદ જેવી વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોએ ભરૂચ સહિત આસપાસના નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં હાજરી આપી આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.




