ભરૂચ,
ભરૂચ ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા વધુ એક માનવતાભર્યું અને સરાહનીય કાર્ય સામે આવ્યું છે,જેમાં છેલ્લા ૪ વર્ષથી પોતાના પરિવારથી વિખૂટી પડેલી એક યુવતીને તેના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવી છે.
ભરૂચના નર્મદા ચોકડી નજીક આવેલા GNFC બસ સ્ટોપ પાસેથી આશરે ૨૬ વર્ષની એક અજાણી યુવતી પોલીસને મળી આવી હતી. યુવતી માનસિક રીતે પરેશાન હાલતમાં જણાતી હોવાથી પોલીસ દ્વારા તેને તાત્કાલિક સુરક્ષિત રીતે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ભરૂચ ખાતે મુકવામાં આવી હતી.ત્યાર બાદ યુવતીને વધુ સંભાળ અને રક્ષણની જરૂરિયાત જણાતા, મહિલા અને બાળ અધિકારી શ્રી કાશ્મીરા સાવંત તથા દહેજ પ્રતિબંધક સહ સંરક્ષણ અધિકારી શ્રી પ્રિતેશ વસાવાના માર્ગદર્શન અને માનવીય અભિગમ સાથે તેને નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે તબદિલ કરવામાં આવી હતી.
નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે યુવતીની સતત કાઉન્સેલિંગ અને માનસિક સહાય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.શરૂઆતમાં યુવતી કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતી નહોતી, પરંતુ કેન્દ્રના અધિકારીઓ અને કાઉન્સેલરો દ્વારા ધીરજપૂર્વક અને સંવેદનશીલતા સાથે વાતચીત કરવામાં આવતા યુવતીએ ધીમે-ધીમે પોતાના ગામ અંગે માહિતી આપવાનું શરૂ કર્યું હતું.
મળેલી માહિતીના આધારે નારી સંરક્ષણ કેન્દ્રના નોડલ એ.એસ.સંગાડા અને મેનેજર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દાહોદ દ્વારા ઘર તપાસ દરમિયાન યુવતીના ગામના સરપંચનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને જરૂરી વિગતોની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવામાં આવતા તેઓ તાત્કાલિક ભરૂચ ખાતે દોડી આવ્યા હતા.
અંતે નારી સંરક્ષણ કેન્દ્રના સતત પ્રયાસો અને સંકલનના કારણે ૪ વર્ષ ના લાંબા સમયગાળા બાદ યુવતીનું તેના પરિવાર સાથે ભાવુક મિલન કરાવવામાં સફળતા મળી હતી.પરિવારજનો પોતાની દીકરીને સુરક્ષિત રીતે પરત મળતાં ભાવવિભોર બની ગયા હતા અને નારી સંરક્ષણ કેન્દ્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા તમામ સંબંધિત અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સમાજમાં માનવતા, સંવેદના અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર નારી સંરક્ષણ કેન્દ્રની આ કામગીરીની વિવિધ સ્તરે પ્રશંસા થઈ રહી છે.મહિલાઓની સુરક્ષા, માર્ગદર્શન અને પુનઃસ્થાપન માટે કેન્દ્ર દ્વારા સતત કરવામાં આવતા આ પ્રકારના પ્રયાસો સમાજ માટે ખરેખર પ્રેરણારૂપ છે.




