– નગરની કાયાપલટ કરવા માટે કોંગ્રેસના શાસકો જાતે નિરીક્ષણ કરતા જોવા મળ્યા
ભરૂચ,
આમોદ નગર પાલિકામાં કોંગ્રેસનું નવું બોર્ડ બેસતા જ નગરના વિકાસ અને સ્વચ્છતા તરફ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.આમોદ નગરમાં આજરોજ ચાર રસ્તાથી તિલક મેદાન સુધી સ્વચ્છતા અભિયાન શરૂ કરી દીધું હતું જેથી નગરજનોમાં શાસકોની કાર્યપ્રણાલીથી સંતોષ જોવા મળ્યો હતો.
આમોદનગરના ચાર રસ્તા વિસ્તારથી તિલક મેદાન સુધીના વિસ્તારોમાં સફાઈ કામદારો સાથે આમોદ પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદ રાણા તથા કારોબારી ચેરમેન ઉમેશ પંડ્યા સાથે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો દ્વારા જાતે ઉપસ્થિત રહી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરતા નગરજનોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.ઘણા લાંબા સમયથી પડેલા કચરાના ઢગલા દૂર કરવાની કામગીરી શરૂ થતા લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.ત્યારે નગરજનોએ આશા વ્યક્ત કરી હતી કે આ સફાઈ અભિયાન માત્ર શરૂઆત પૂરતું નહીં રહે પરંતુ સતત અને નિયમિત રીતે ચાલુ રહે તો આમોદનગરની છબીમાં ચોક્કસ સુધારો જોવા મળશે.પ્રથમ દિવસથી જ કોંગ્રેસના શાસકોએ સુંદર કામગીરી શરૂ કરાતા રાજકીય તેમજ સામાજીક વર્તુળોમાં આ પહેલ ચર્ચાનો વિષય બની હતી.




