– ડોલીયાથી દેણવા વચ્ચે કરોડોના ખર્ચે બની રહેલા બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો
(સંજય પટેલ, જંબુસર)
જંબુસર તાલુકાના ડોલીયા ગામ નજીક ડોલીયાથી દેણવા ગામને જોડતા મહત્વના બ્રિજના બાંધકામને લઈને ગંભીર બેદરકારી અને કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અંદાજે છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલું આ બ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો આ બ્રિજ હજુ સુધી જનતા માટે ખુલ્લો મુકાયો નથી, ત્યારે બ્રિજના નીચેના પીલરો જર્જરિત હાલતમાં દેખાતા લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે.
આ સમગ્ર મામલે જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા બ્રિજના કેટલાક પીલરોમાં તિરાડો પડેલી, સિમેન્ટના ભાગો ઊખડતા તેમજ બાંધકામની જર્જરિત સ્થિતિ નજરે પડતા કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.બ્રિજ હજુ પૂર્ણ પણ થયો નથી ત્યારે જ આવી હાલત સામે આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
સ્થળ તપાસ દરમ્યાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી.બ્રિજ પર કામ કરતા મજૂરો કોઈપણ પ્રકારની પૂરતી સુરક્ષા વ્યવસ્થા વગર જોખમી પરિસ્થિતિમાં કામ કરતા જોવા મળ્યા હતા. મજૂરોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, સેફ્ટી શુઝ સહિતના આવશ્યક સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ઊંચાઈ પર કામ છતાં સુરક્ષા નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે બ્રિજ હજુ તૈયાર પણ થયો નથી ત્યારે જ તેના પીલરોમાં જર્જરિત સ્થિતિ દેખાઈ રહી છે તો ભવિષ્યમાં આ બ્રિજ કેટલો મજબૂત અને સુરક્ષિત રહેશે? કરોડોના ખર્ચ છતાં કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બ્રિજ પૂર્ણ થવાથી ડોલીયા, દેણવા તેમજ આસપાસના અનેક ગામોના લોકોને અવરજવર માટે મોટી સુવિધા મળવાની હતી, પરંતુ વર્ષો વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવે બ્રિજની હાલત સામે આવતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.
માજી ધારાસભ્ય કિરણ મકવાણાએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ ટેક્નિકલ તપાસ કરવાની માંગ ઉઠાવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કામદારોની સુરક્ષા બાબતે કડક પગલાં લેવા તેમજ બાંધકામની ગુણવત્તાની તાત્કાલિક ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોએ સરકાર અને સંબંધિત વિભાગને માંગ કરી છે કે બ્રિજના કામમાં જો કોઈ બેદરકારી કે ભ્રષ્ટાચાર થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ કામદારોને ફરજિયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને બ્રિજનું કામ ગુણવત્તાપૂર્વક તેમજ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.




