શ્રી ખોડલધામ મંદિર કાગવડના દશાબ્દી મહોત્સવના નિમિત્તે આમંત્રણ રથનું ભરૂચમાં ભવ્ય સ્વાગત

SHARE:

– વિવિધ વિસ્તારોમાં માતાજીની આરતી સાથે ભાવિકોએ દર્શનનો લાભ લીધો

– પ્રાણ પ્રતિષ્ઠાના દસ વર્ષ પૂર્ણ થતાં ત્રણ દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન

– ગુજરાતના દરેક ગામ અને દરેક પરિવાર સુધી પહોંચશે મહોત્સવનું આમંત્રણ, ઝાડેશ્વર ખાતે મહાઆરતી સાથે રથયાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો

– ખોડલધામ દશાબ્દી મહોત્સવના આમંત્રણ રથને ભરૂચમાં મળ્યો ભાવભર્યો આવકાર

ભરૂચ,

શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ સંચાલિત શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત દશાબ્દી મહોત્સવના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આમંત્રણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુસંધાને દક્ષિણ ગુજરાત ઝોનનો રથ ભરૂચ જિલ્લામાં પહોંચતા સમાજજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ શ્રી ખોડલધામ મંદિર, કાગવડ ખાતે જાન્યુઆરી-2017 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મંદિરની સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વિશાળ ત્રણ દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની માહિતી અને આમંત્રણ રાજ્યના દરેક પરિવાર સુધી પહોંચાડવાના હેતુથી ગુજરાતને ત્રણ ઝોનમાં વિભાજિત કરી અલગ-અલગ રથયાત્રાઓ શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત ઝોનનો રથ વાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં પરિભ્રમણ પૂર્ણ કર્યા બાદ તાપી જિલ્લાના માંડવી વિસ્તાર થઈ નર્મદા જિલ્લામાં પહોંચ્યો હતો. ત્યારબાદ રથનું ભરૂચ જિલ્લામાં આગમન થતાં સમાજજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામ, પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગીદર્શન, માનસનગર રોડ અને શ્રીજીદર્શન સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં માતાજીની આરતી અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ભાવિકોએ શ્રદ્ધાભાવે રથના દર્શન કરી ખોડલ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

રથયાત્રાના સ્વાગત પ્રસંગે ઝાડેશ્વરના આગેવાનો શૈલાબેન પટેલ અને કૌશિકભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારી યાત્રાને આવકાર આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લાના સહ-કન્વીનર કાર્તિક ઘશડિયા, જિલ્લા કન્વીનર પિયુષ પટેલ, ઉર્મિબેન વાનાણી તેમજ સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.

રથયાત્રાનો સમાપન કાર્યક્રમ ઝાડેશ્વર સ્થિત પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જ્યાં ખોડલ માતાજીની મહાઆરતી સાથે સમગ્ર કાર્યક્રમને ધાર્મિક અને ભક્તિમય માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. દશાબ્દી મહોત્સવને લઈને સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!