– વરેડીયાથી ભરૂચ તરફ આવી રહેલી મોટરસાયકલને પાછળથી આવેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા 6 વર્ષના મંથન અને 14 વર્ષના કૃષ્ણકુમારનું ઘટના સ્થળે જ મોત : અજાણ્યો વાહનચાલક ફરાર
– પિતા અને દાદા ઈજાગ્રસ્ત : પાલેજ પોલીસે ફરાર વાહનચાલકને શોધવા તપાસ તેજ કરી
ભરૂચ,
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા ભૂખી ખાડીના સાંકડા બ્રિજ પાસે હૃદયદ્રાવક હિટ એન્ડ રન અકસ્માત સર્જાતા બે સગીર બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. દાદા અને પિતાની નજર સામે જ બે માસુમ બાળકો કાળનો કોળિયો બનતા સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ ભુરમલ વરદીચંદ સોની તેમના પુત્ર અલ્પેશ સોની તેમજ પૌત્રો મંથન (ઉંમર 6 વર્ષ) અને કૃષ્ણકુમાર (ઉંમર 14 વર્ષ) સાથે વરેડીયા ગામથી ભરૂચ તરફ મોટરસાયકલ નંબર જીજે-16-ઈબી-5068 પર જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલેજ નજીક આવેલા ભૂખી ખાડીના સાંકડા બ્રિજ પાસે પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહને તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતની ટક્કર એટલી ભયાનક હતી કે મોટરસાયકલ પર સવાર ચારેય લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. જેમાં મંથન અને કૃષ્ણકુમાર અજાણ્યા ભારે વાહનના પૈડાં નીચે આવી જતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે મોટરસાયકલ ચલાવી રહેલા અલ્પેશ સોનીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત ભુરમલ સોનીને પણ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ થતા બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ જવાબદારીથી ભાગતા અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલેજ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બે સગીર બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. દાદા અને પિતાની નજર સામે જ બાળકોના જીવ જતાં ઘટનાએ અનેક લોકોને ભાવુક બનાવી દીધા છે. હાલ પાલેજ પોલીસે ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે વાહનની ઓળખ મેળવવાના પ્રયાસો હાથધર્યા છે.




