જીએનએફસી @ 50 કૃષિ સમૃદ્ધિ અને ઔદ્યોગિક આત્મનિર્ભરતાના હમસફરની સુવર્ણજ્યંતી

SHARE:

– જગતની તાતના વિશ્વાસથી લઈને વૈશ્વિક કેમિકલ ક્ષેત્રે અગ્રેસર રહેતી ભરૂચની નર્મદા વૅલી ફર્ટિલાઈઝર્સ કંપની

– નિમ પ્રોજેક્ટ દ્વારા 4.50 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓને મળી રોજગારી: સંયુક્ત રાષ્ટ્ર (UNDP) એ પણ લીધી નોંધ

– તાજેતરની વૈશ્વિક યુદ્ધ કટોકટીમાં પણ ‘ટેકનિકલ ગ્રેડ યુરિયા’ અને ‘એમોનિયમ નાઈટ્રેટ’નું ઉત્પાદન વધારી દેશના પરિવહન અને ખાણકામ ઉદ્યોગને જીવતદાન આપ્યું

– વિકસિત ભારત @ 2047ના વિઝનને સાકાર કરવા ભરૂચ અને વાગરાના 50 ગામોને દત્તક લઈ ‘50 વિકસિત ગામો’ તરીકે મોડેલ વિલેજ બનાવશે

ભરૂચ,

ગુજરાત સરકાર અને જીએસએફસીના સંયુક્ત સાહસ તરીકે વર્ષ 1976 માં ભરૂચ ખાતે સ્થાપિત ગુજરાત નર્મદા વૅલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFC આજે માત્ર એક કંપની નથી, પરંતુ લાખો ખેડૂતો અને નાગરિકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક બની ચૂકી છે.સ્થાપના કાળથી જ પર્યાવરણની જાળવણી સાથે દેશને કેમિકલ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો અને આપણા ‘જગતના તાત’ એવા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતરો પૂરા પાડી કૃષિ ઉત્પાદકતા વધારવાનો સંસ્થાનો મુખ્ય મંત્ર રહ્યો છે. લાખો ખેડૂત સભાસદો અને ડીલરોના સહકારી નેટવર્ક સાથે જોડાયેલી આ સંસ્થા ખેડૂતોને નિઃશુલ્ક સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી, ખેડૂત શિબિરો અને ‘નર્મદા કિશન પરિવાર’ માસિક પત્ર દ્વારા આધુનિક ખેતીનું જ્ઞાન ઘર-ઘર સુધી પહોંચાડે છે.

GNFC ભરૂચ ખાતે વિશ્વનો સૌથી મોટો સિંગલ-સ્ટ્રીમ એમોનિયા-યુરિયા પ્લાન્ટ ધરાવે છે.હાલમાં કંપનીના અત્યાધુનિક અને વૈશ્વિક ISO પ્રમાણપત્રો ધરાવતા ઇન્ટિગ્રેટેડ કેમિકલ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ ભરૂચ અને દહેજ ખાતે કાર્યરત છે. સાઉથ એશિયામાં GNFC એકમાત્ર એવો પ્લાન્ટ છે જે એનીલીન, ટૉલ્યુડિન અને એમોનિયમ નાઈટ્રેટ (ટેકનિકલ ગ્રેડ) જેવા મહત્વના કેમિકલ્સનું ઉત્પાદન કરી વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડીને દેશનું અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવે છે.ખાતર ઉપરાંત કંપની મિથેનોલ, ફોર્મિક એસિડ,નાઈટ્રિક એસિડ અને એસિટિક એસિડ જેવા ઔદ્યોગિક કેમિકલ્સનું મોટા પાયે ઉત્પાદન કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100% લીમડાના કોટિંગવાળા યુરિયાના વિઝનને સાકાર કરવા માટે શરૂ કરાયેલો ‘નિમ પ્રોજેક્ટ’ (Neem Project) આજે એક સામાજિક-આર્થિક ક્રાંતિ બની ચૂક્યો છે.આ પ્રોજેક્ટ હેઠળ લીમડાના તેલમાંથી સંપૂર્ણ કુદરતી અને પર્યાવરણપ્રેમી પ્રોડક્ટ્સ જેવી કે ઓર્ગેનિક સાબુ (Neo Neem Soap), હેન્ડવોશ, શેમ્પૂ, ફેસવોશ, મોસ્કીટો રેપલેન્ટ અને ખેતી માટે ઓર્ગેનિક ખાતર (Neem De-Oiled Cake) બજારમાં મૂકવામાં આવ્યા છે.કંપનીના આઈટી (IT) ડિવિઝન તરીકે (n)Code સોલ્યુશન્સ દેશભરમાં ડિજિટલ ગવર્નન્સ, સ્માર્ટ સિટીઝ, GIS, PKI અને આઈસીટી (ICT) ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી ભૂમિકા ભજવી સુરક્ષિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ચલાવી રહ્યું છે.

તાજેતરમાં ઈરાન યુદ્ધના કારણે દેશમાં સર્જાયેલી આંતરરાષ્ટ્રીય કટોકટી અને સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની મુશ્કેલ પરિસ્થિતિમાં GNFC એ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ બજાવી અપ્રતિમ કામગીરી કરી છે.વિદેશી આયાત બંધ થતાં જ કંપનીએ રણનીતિક વસ્તુઓનું ઉત્પાદન યુદ્ધના ધોરણે વધાર્યું હતું.

ટેકનિકલ ગ્રેડ યુરિયા (DEF માટે) દેશભરમાં માલસામાનની હેરફેર માટે ટ્રકો ચલાવવા જરૂરી એવા ડીઝલ એક્ઝોસ્ટ ફ્યુઅલ (DEF) ના ઉત્પાદન માટે આ કેમિકલ અનિવાર્ય છે.GNFC એ આનું ઉત્પાદન વધારી દેશના પરિવહન ક્ષેત્રને થંભી જતાં બચાવ્યું.

એમોનિયમ નાઈટ્રેટ: માઈનિંગ (ખાણકામ) ઉદ્યોગ અને ખાસ કરીને ‘કોલ ઇન્ડિયા’ માટે વિસ્ફોટકો બનાવવા માટે વપરાતા આ કેમિકલનું ઉત્પાદન વધારીને કંપનીએ દેશમાં ઊર્જા અને કોલસાની તંગી સર્જાવા ન દીધી.

GNFC એ પોતાની સીએસઆર (CSR) પાંખ ‘નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી’ (NARDES) દ્વારા ભરૂચ અને દહેજના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વર્ધન (Vocational Training), મહિલાઓ માટે ઈ-રિક્ષા અને રોજગારી જેવાં અનેક કાર્યો હાથ ધર્યા છે.નવેથા, શુકલતીર્થ તેમજ ટંકારીયામાં નવનિર્મિત પબ્લિક હેલ્થ સેન્ટર દ્વારા મફત તબીબી સેવાઓ આપવામાં આવી રહી છે. સૌથી ગૌરવપૂર્ણ બાબત એ છે કે, ‘નિમ પ્રોજેક્ટ’ દ્વારા ગામડાની અંદાજે 4.50 લાખથી વધુ ભૂમિહીન ગ્રામીણ મહિલાઓને રોજગારી આપી આર્થિક રીતે પગભર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે, જેની વૈશ્વિક નોંધ ખુદ સંયુક્ત રાષ્ટ્ર (UNDP) એ પણ લીધી છે.

વર્ષ 2047 સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને વેગ આપવા માટે GNFC ગ્રીન ટેકનોલોજી, નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન, ટકાઉ ખેતી (Sustainable Farming) અને પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) તરફ ઝડપથી આગળ વધી રહી છે. દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા દહેજ ખાતે નવો બોઇલર અને પાવર પ્લાન્ટ, ત્રીજો નાઈટ્રિક એસિડ પ્લાન્ટ, બીજો એમોનિયમ નાઈટ્રાઈટ પ્લાન્ટ તેમજ એમોનિયા એક્સપાન્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

કંપની પોતાની આગામી સુવર્ણ જયંતિ નિમિત્તે ભરૂચ અને વાગરા તાલુકાના 50 ગામોના સર્વાંગી વિકાસ માટે 50 વિકસિત ગામો – વિઝન 2047 જેવી મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરવા જઈ રહી છે.પર્યાવરણ અને વિકાસ વચ્ચે અદભુત સંતુલન સાધતી GNFCની આ વિકાસયાત્રા સમૃદ્ધ ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સોનેરી પ્રકરણ સાબિત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!