– નગરજનો ઉપર લાદવામાં આવેલો મસમોટો ભૂગર્ભ ગટર વેરો ઘટાડી ૫૦૦ કરવા સૂચન કરાયું
ભરૂચ,
આમોદ નગરના વેપારીઓના હિતો માટે કાર્યરત આમોદ નગર વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ આજ રોજ આમોદ નગરપાલિકાની મુલાકાત લઈ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદઅલી રાણા તેમજ કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે એસોસિએશન દ્વારા નવા બોર્ડની રચનાને આવકારી નગરના વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરીને બિરદાવી હતી.સાથે આમોદ નગરના વિવિધ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.જેમાં આમોદ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક જર્જરિત ટાવરની મરામત કરાવવી ,તિલક મેદાનમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો,નવા શોપિંગ સેન્ટરને ચાલુ કરાવવું,અગાઉ વધારવામાં આવેલ વેરા વસુલાતનો નિર્ણય સ્થગિત રાખવો, ચાર રસ્તા ઉપર મંજૂર થયેલ પીકઅપ સ્ટેન્ડની ઝડપી કામગીરી કરવી, ગુજરાત ગેસ એજન્સીની ઓફિસ આમોદમાં કાર્યરત કરવી તેમજ આમોદ નગરપાલિકાના અગાઉના શાસકો દ્વારા નગરજનો ઉપર લાદવામાં આવેલો મસમોટો ભૂગર્ભ ગટર વેરો ઘટાડી ૫૦૦ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.તેમજ તિલક મેદાન ખાતે આવેલ જાહેર શૌચાલયની સુવિધા વધારવા જેવા નગરજનોને સ્પર્શતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ અને જનહિતના પ્રશ્નોમાં વેપારી સમાજ હંમેશા નગરપાલિકાને સૂચનો અને જરૂરી સહયોગ આપતો રહેશે.નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષે પણ વેપારીઓના પ્રશ્નો અંગે સકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.




