ભરૂચની ઐતિહાસિક જામા મસ્જીદના મૂળ સ્વરૂપને લઈને ચાલતો વિવાદ ઉગ્ર બન્યો : 35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર કલેકટરને પાઠવવામાં આવ્યું

SHARE:

– રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય ધરોહરને સુરક્ષિત રાખવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે રેલી યોજતા મોટી સંખ્યામાં લોકો જોડાયા 

– ઐતિહાસિક ધરોહરની મૂળ સ્વરૂપે જાળવણી થાય એવી માંગ કરાય

– કોઈ અનિછનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચ,

ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે જાહેર આંદોલનનું સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે.રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે ઓળખાતી જામા મસ્જિદ અંગે એક તરફ પુરાતત્વ વિભાગ દ્વારા મુલાકાતીઓ માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે બીજી તરફ સંત સમાજ અને વિવિધ હિન્દૂ-જૈન સંગઠનો દ્વારા સ્મારકના મૂળ ઈતિહાસ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી સોમવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ જનરેલી યોજાઈ હતી.જેમાં મહારાષ્ટ્રથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ સાથે સંત સમાજના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં સાધુ-સંતો,હિન્દૂ અને જૈન સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. શક્તિનાથ માર્ગ પરથી પસાર થયેલી રેલી દરમિયાન “ઐતિહાસિક સત્ય બહાર લાવો” અને “ધરોહરની મૂળ ઓળખ જાળવો” જેવા સૂત્રો ગુંજ્યા હતા.રેલીના અંતે સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ કપાટે અને વિવિધ

પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને 35 હજારથી વધુ લોકોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર સોંપ્યું હતું.

આવેદનપત્રમાં જામા મસ્જિદના ઐતિહાસિક મૂળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી.સંત સમાજના આગેવાનોનો દાવો છે કે સ્મારકનું મૂળ સ્વરૂપ જૈન મંદિર સાથે સંકળાયેલું હોવાનું દર્શાવતા કેટલાક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે,જેના આધારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી જામા મસ્જિદની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.સ્મારકને નુકસાન પહોંચે તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અને સુરક્ષા વધારવાના પગલાં વચ્ચે હવે આ મુદ્દો વધુ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

સંત સમાજે પુરાતત્વ વિભાગને પણ રજૂઆત કરી હતી કે સ્મારકની મૂળ રચના અને ઐતિહાસિક ઓળખ જાળવવામાં આવે તેમજ સ્થળ પર કોઈપણ પ્રકારના નવા બાંધકામ અથવા ફેરફાર ન કરવામાં આવે.બીજી તરફ, સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા આજે પ્રશાસનને એક આવેદનપત્ર અને હસ્તાક્ષર પત્ર સુપરત કરવામાં આવ્યા છે.આ અંગે વાત કરતા સ્વામી મુક્તાનંદજી એ જણાવ્યું હતું કે આ સ્થળ મૂળભૂત રીતે ચક્રધર સ્વામીનું જન્મસ્થાન અને સનાતન ધર્મની જૈન પરંપરાનું એક પવિત્ર આસ્થા કેન્દ્ર છે, જેને સમય જતાં કથિત રીતે જામીયા મસ્જિદમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું.આ સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરની મૂળ માલિક ભારત સરકાર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) છે. હાલમાં ત્યાં નિર્ધારિત સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.સમિતિની મુખ્ય માંગણી એ છે કે, આ પરિસરમાં ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ ચાલતી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવામાં આવે અને પુરાતત્વ વિભાગના નિયમો અનુસાર જ તેનું સંચાલન અને સંરક્ષણ સુનિશ્ચિત થાય.જ્યાં સુધી આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી સમાજમાં જનજાગૃતિ અને વિરોધ પ્રદર્શનના માધ્યમથી આ લડત ચાલુ રાખવામાં આવશે.તો બીજી બાજુ શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ પણ મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા.આ પ્રસંગે સુદર્શન નાગરાજબાબા એ જણાવ્યું હતું કે આ સ્થળ પર નિયમનુસાર કાર્યવાહી હાથ તે માટે અમે આગળ વધી રહ્યા છે. આજની રેલીનો જે ઉદ્દેશય હતો તે પ્રમાણે કલેકટરને આવેદન પાઠવ્યું છે અને તેઓ તરફથી પોઝિટિવ જવાબ મળ્યો જેનાથી અમો સંતોષ છે.તો આ તરફ અમદાવાથી આવેલા જૈન સમાજના અગ્રણી કિર્તન શાહે જણાવ્યું હતું કે આ સંવત 1200 માં એક જૈન સ્થાપત્ય તરીકે જિનાલય બન્યું હતું.શકુનીકા વિહાર તરીકે પ્રચલિત હતું.આ એક જૈન પ્રાચીન સ્થાપત્ય છે. અંદરના સ્તંભો પર પણ જૈન આલેખો દેખાઈ આવે છે.સાથે શ્રી ચક્રધર સ્વામી નું જન્મ સ્થળ પણ કહેવામાં આવે છે.જેથી સરકારને માત્ર એટલી જ રજુઆત છે કે જૂનું જે ધર્મનું સ્થાપત્ય છે તેના શાસ્ત્રો અને દસ્તાવેજી પ્રમાણો સાથે પુરાતત્વ વિભાગ રક્ષા કરે કારણ કે પુરાતત્વ વિભાગ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જીદના મૂળ સ્વરૂપને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે તેમ છતાં પુરાતત્વ વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપી રહ્યું નથી જેથી સમિતિ અને સમાજ દ્વારા કરવામાં આવતા આક્ષેપો ક્યાંક ને ક્યાંક પુરાતત્વ વિભાગની કામગીરી ઉપર શંકા કુશંકા ઉજપાવી રહી છે.ત્યારે આ આંદોલન હજુ ક્યાં સુધી ચાલે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!