ભરૂચ,
વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ અંતર્ગત ભરૂચ DLSA દ્વારા સોમવારે કસક વડીલોના ઘર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય હેતુ વૃદ્ધો સામે થતા શોષણ અને અન્યાય સામે સમાજમાં જાગૃતિ લાવી તેમને કાનૂની રીતે રક્ષણ આપવાનો છે.
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પૂર્ણસમયના સચિવ પી.પી.મોકાશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પેનલ એડવોકેટ આર.જે. મહેતા અને વી.જે. પટેલે ઉપસ્થિત રહીને વડીલોને કાયદાકીય અધિકારો, નાલસાની વરિષ્ઠ નાગરિક યોજના અને નિઃશુલ્ક કાનૂની સહાય અંગે વિસ્તારથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડીલોને શારીરિક, માનસિક, આર્થિક શોષણ અને અવગણના જેવા દુર્વ્યવહાર સામે રક્ષણ આપતા ‘Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.નાલસા લીગલ સર્વિસીઝ ટુ સિનિયર સીટીઝન સ્કીમ 2016 ની જાણકારી અપાઈ હતી. DLSA દ્વારા વૃદ્ધોને મફત કાનૂની સહાય અને માર્ગદર્શન આપવામાં આવતું હોવાની વિગતે સમજ અપાઈ હતી.
વડીલો આપણા અનુભવનો ભંડાર છે. તેમના પ્રત્યે પ્રેમ, સન્માન અને કાળજી રાખવી એ આપણી નૈતિક અને કાનૂની જવાબદારી છે.વડીલોનું સન્માન – સંસ્કારી સમાજની ઓળખના સૂત્ર સાથે યુવા પેઢીને વડીલોનો આદર કરવા. અને તેમના અધિકારોનું રક્ષણ કરવાનો સંકલ્પ લેવા સંદેશ અપાયો હતો.




