– વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૧૦ પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TET પરીક્ષા માંથી કાયમી મુક્તિ આપવા સહિતની વિવિધ માંગણીઓ સાથે ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.
તાજેતરમાં ૨૯ મે ૨૦૨૬ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ વર્ષ ૨૦૧૦ પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે પણ TET ફરજિયાત બનવાની સ્થિતિ ઊભી થતાં દેશભરના લાખો વરિષ્ઠ શિક્ષકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આહવાન પર દેશવ્યાપી રજૂઆતોનો દોર શરૂ થયો છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ શિક્ષકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
મહાસંઘના પ્રમુખ પ્રવિણ સોલંકીના નેતૃત્વમાં રજૂઆત દરમિયાન વર્ષ ૨૦૧૦ પહેલાં કાયદેસર રીતે નિમણૂક પામેલા શિક્ષકોને તેથી માંથી કાયમી મુક્તિ આપવા, નવા નિયમોને ભૂતકાળની અસરથી લાગુ ન કરવા, વરિષ્ઠ શિક્ષકોની સેવા, વરિષ્ઠતા, બઢતી સહિતના હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વિશેષ જોગવાઈ કરી કાયદાકીય ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. ઉપરાંત દેશભરના રાજ્યો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી શિક્ષકોમાં વ્યાપેલી અનિશ્ચિતતા દૂર કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.
જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે લાખો વરિષ્ઠ શિક્ષકોના મનોબળ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે અને તેમના ભવિષ્ય અંગે ચિંતા ઊભી થઈ છે.લોકશાહી વ્યવસ્થામાં સંસદ સર્વોપરી હોવાથી કેન્દ્ર સરકાર શિક્ષકોના હિતમાં કાયદાકીય સુધારો કરીને યોગ્ય ન્યાય આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો અને મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




