(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ આંતરિક વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ હાઈકમાન્ડની સીધી દરમ્યાનગીરી અને કડક સૂચના બાદ સ્થાનિક નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા મતભેદો મનભેદ વગર ઉકેલી લેવામાં આવ્યા છે.નર્મદા જિલ્લાના નાંદોદ બેઠકના મહિલા ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ અને ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ વચ્ચેના ગજગ્રાહને કારણે પક્ષની છબી ખરડાઈ રહી હતી.જેનો હવે કમલમ ખાતે યોજાયેલી બેઠક બાદ અંત આવ્યો છે.?
આ વિવાદની વાત કરવામાં આવે તો શરૂઆત ભાજપના જ એક કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખના કથિત અપમાનના મુદ્દે થઈ હતી.ધારાસભ્યના અપમાનથી નારાજ કાર્યકરોએ ધરણા પ્રદર્શન કર્યા હતા અને જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ બુલંદ બનાવી હતી.મામલો ઉગ્ર બનતા સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિતના ટોચના નેતાઓ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર દોડી ગયા હતા.
પ્રદેશ મોવડી મંડળ સાથેની આ બેઠક બાદ સાંસદ મનસુખ વસાવાએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય વિચારધારા ધરાવતો એક પરિવાર છે.પરિવારમાં નાના-મોટા મતભેદો થતા હોય છે, જે હવે પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણપણે દૂર થયા છે. તેમણે કાર્યકરોને સોશિયલ મીડિયા પર ચાલતા વાદ-વિવાદ તાત્કાલિક બંધ કરવા કડક આદેશ આપ્યો છે.
બીજી તરફ વિવાદ શમ્યા બાદ જિલ્લા પ્રમુખ નીલ રાવે નરમ વલણ અપનાવતા જણાવ્યું હતું કે અમારા તમામ મતભેદો ઉકેલાઈ ગયા છે. સાંસદ મનસુખભાઈ વસાવાનું ઘર એ મારું પોતાનું ઘર છે અને હવે હું તેમને પૂછ્યા વગર પણ તેમના ઘરે જમવા જઈશ.પક્ષમાં હવે કોઈ વિખવાદ નથી. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સંગઠન મજબૂત હશે તો જ પ્રજાના કામો થશે. હવે નર્મદા ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો એકજૂથ થઈને ચૂંટણી જીતવાના સંકલ્પ સાથે મેદાને ઉતરશે.
વિવાદ સમ્યો હોવાની વાત સામે આવતા ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું છે કે મારું અપમાન છેલ્લા કેટલાક વખત થી થતું હતું એટલે મે ધરણા પર બેઠી હતી.હજુ પણ હું નારાજ છું.




