ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ખેતીવાડી માટેની વીજ લાઈનોને નિશાન બનાવી કરોડો રૂપિયાના નુકસાનને અંજામ આપતી એક સંગઠિત ચોર ટોળકીનો પર્દાફાશ કરવામાં હાંસોટ પોલીસને મોટી સફળતા મળી છે.હાંસોટ અને પાનોલી વિસ્તારમાં નોંધાયેલા વીજ વાયર ચોરીના ચાર અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ અંતરિયાળ અને ઓછી અવરજવર ધરાવતા ગામડાઓમાં અગાઉથી રેકી કરતા હતા.ત્યાર બાદ રાત્રિના સમયે ખેતીવાડી માટેની વીજ લાઇનોના વાયર કાપી ચોરીને અંજામ આપતા હતા.ચોરી બાદ વાયર અન્ય સ્થળે લઈ જઈ વેચી નાખવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હતી.સઘન તપાસ અને બાતમીના આધારે હાંસોટ પોલીસે ગેંગના સભ્યો સુધી પહોંચીને એક પછી એક આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ રૂ.20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં અંદાજે રૂ.17.45 લાખના એલ્યુમિનિયમ કંડક્ટર વાયર ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે. પોલીસની આ કાર્યવાહીએ જિલ્લામાં સતત વધી રહેલી વીજ વાયર ચોરીની ઘટનાઓ પર મોટો પ્રહાર કર્યો છે.
ખેતીવાડી વીજ લાઈન માંથી વાયર ચોરી થવાને કારણે ખેડૂતોને વીજ પુરવઠામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.ત્યારે પોલીસે આ સંગઠિત ગેંગને ઝડપી પાડી માત્ર ચાર ગુનાઓનો જ ભેદ ઉકેલ્યો નથી, પરંતુ ભવિષ્યમાં આવી ચોરીઓ પર પણ અંકુશ લાવવાનો પ્રયાસ કર્યો છે.
હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી વધુ તપાસ શરૂ કરી છે.સાથે જ ગેંગના અન્ય સંભવિત ગુનાઓ અને સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.




