(સલીમ કડુજી,નબીપુર)
રાજ્યભરમાં જ્યારે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આજે શિક્ષણનો એક મોટો ઉત્સવ ઉજવાયો હતો.નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આજે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે તારીખ ૨૩ જૂન ૨૦૨૬, મંગળવારના રોજ નબીપુર કુમારશાળા અને કન્યાશાળા ખાતે એક અનેરા ઉત્સાહ સાથે આયોજન કરાયું હતું.શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી સમૃદ્ધ દેશ ના પવિત્ર મંત્ર સાથે અહીં સંયુક્ત પ્રવેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ હતી.આ મહોત્સવ અંતર્ગત વહેલી સવારે ૭:૩૦ વાગ્યાથી જ કાર્યક્રમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો.
નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરાયુ હતુ.આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના ભવ્ય સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના સાથે થઈ હતી.ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત રાજુ કરાયું હતું.શાળામાં પ્રથમ વખત પગ મૂકી રહેલા નાના-નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ નવા પ્રવેશાર્થી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશ કીટ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
અહીં દીકરીઓના શિક્ષણ એટલે કે કન્યા કેળવણી અંગે એક પ્રેરણાત્મક સંબોધન પણ રાખવામાં આવ્યું હતું.આ સાથે જ વાલી સંમેલન યોજીને વાલીઓને શિક્ષણ અંગે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાતા હતા.
શાળા પ્રશાસન દ્વારા એક વિશેષ સંદેશ આપવામાં આવ્યો છે કે, દીકરી ભણશે તો પરિવાર આગળ વધશે; પરિવાર આગળ વધશે તો દેશ પ્રગતિ કરશે.તમામ વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલે અને આ પ્રવેશોત્સવને એક જનાંદોલન બનાવે જેથી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.ખરેખર, આ પ્રકારના આયોજનોથી ગ્રામ્ય સ્તરે શિક્ષણનો વ્યાપ વધશે અને ભણશે ગુજરાત, વધશે ગુજરાત નો સંકલ્પ સાકાર થશે.
આ કાર્યક્રમમાં ભરૂચ કલેકટર ઓફિસ માંથી પ્રકાશભાઈ પટેલ, મામલતદાર ઓફિસ માંથી એસ.આર.વસાવા તથા I C D S શાખાના અધિકારી તથા નબીપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત વાલીઓ પણ હાજર રહયા હતા.
આમંત્રીતોએ પોતાના વક્તવ્યમા શિક્ષણ ની મહત્તા ઉપર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને સ્ત્રી કેળવણી ઉપર શાળામાં આંગણવાડીના ભૂલકાઓ અને ધોરણ ૧ મા પ્રવેશ મેળવનાર બાળકોનું ગુલાબના ફૂલો અને શિક્ષણની કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો કતો.અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ બંને શાળાના આચાર્યાઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




