– નવા પ્રવેશ મેળવનાર બાળકોનું કરાયું ઉમળકાભેર સ્વાગત
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના કપલસાડી ખાતે આવેલી સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ’નો ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ, ગામના અગ્રણીઓ અને વાલીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત પધારેલા મહેમાનોનું કળશ અને તિલક કરી પરંપરાગત રીતે સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સંયુક્ત નિયામક કચેરીના HOD એ.આર. ઠક્કર અને લાયઝન અધિકારી ભાવેશભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આજના આ ઉત્સવમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર નવપ્રવેશિત બાળકોનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનના હસ્તે નાના-નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી તેમને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ગત શૈક્ષણિક વર્ષમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વિકાસ અને સંચાલન સમિતિ ના અધ્યક્ષ તથા સભ્યો, ગામના સરપંચ ઉપસરપંચ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ગ્રામજનોએ પણ ખૂબ જ સરાહ્યો હતો.




