અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમાર ૨૫ હજારની લાંચ લેતા ઝડપાયો

SHARE:

– ફરિયાદીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા તેને અનફ્રીઝ કરવા ૨૫ હજારની લાંચ સ્વીકારતા એ.સી.બી એ રંગેહાથ ઝડપી પાડયો

ભરૂચ,

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ફરિયાદી પાસેથી ૨૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી વેપાર કરતા હોય અને તેમના વેપાર સંબંધિત બેંક એકાઉન્ટને સાયબર ક્રાઈમ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલ હતું.જે બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરાવવા બાબતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ભદ્રકોદ્રા પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આ કામના આરોપી સુનીલભાઈ ઈશ્વરભાઈ પરમાર દ્વારા ફરિયાદીનો વારંવાર ફોન પર સંપર્ક કરી લાંચની માંગણી કરવામાં આવતી હતી.ત્યાર બાદ આરોપીએ ફરિયાદીને રૂબરૂ મળી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ ૨૫ હજાર લાંચની માંગણી કરી હતી.પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી હકીકત જણાવી હતી.જે ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ વડોદરા શહેર એ.સી.બી ફિલ્ડ દ્વારા ફરિયાદ સાચી હોવાનું જણાતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

જે છટકાની કાર્યવાહી નાયબ નિયામક એ.સી.બી વડોદરા રેન્જના ઈન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈની દેખરેખ હેઠળ અને મદદનીશ નિયામક એ.સી.બી વડોદરાના બી એમ પટેલના સુપરવિઝનમાં એ.સી.બી ફિલ્ડ વડોદરાના ટ્રેપિંગ અધિકારી એ એન પ્રજાપતિ દ્વારા ગોઠવવામાં આવી હતી.આ દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૨૫ હજારની લાંચની રકમ સ્વીકારવા માટે વાલિયા ચોકડીથી ભરૂચ જવાના રોડ ઉપર આવેલ પાટીદાર રજવાડી ટી સ્ટોલ બહાર લાંચની ૨૫ હજાર ની રકમ સ્વીકારતા આરોપી હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારને સ્થળ ઉપર જ વડોદરા એસ.સી.બી દ્વારા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો.આમ આરોપીએ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી ગુનો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા તેની અટકાયત કરી આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!