ભરૂચ,
આમોદમાં આછોદ રોડ ઉપર આવેલા”આઈ લવ આમોદ”ના બોર્ડ નીચે ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની સ્વચ્છતા અંગેની કામગીરી ફરી ચર્ચામાં આવી હતી.જાહેર માર્ગ પર જ ફેલાયેલી ગંદકીના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે પ્રશ્નો ઊભા થયા હતા.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાન રિયાઝ દરબારે કોંગ્રેસ અને ભાજપ બંને પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ અને ભાજપ માસી-માસીના દીકરા છે. ભૂત ગયું અને પલિત આવ્યું.એટલે કે ભાજપ ગઈ તો કોંગ્રેસ આવી પરંતુ નગરજનોની ગંદકી પ્રત્યેની મૂળભૂત સમસ્યાઓ યથાવત રહી છે.”
જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે ગંદકીના મુદ્દે મોટા મોટા વિરોધ પ્રદર્શનો કરીને હોબાળો મચાવનારા કોંગ્રેસના નેતાઓ આજે પોતે સત્તાના સિંહાસન ઉપર બેસી જતા આમોદ નગરમાં ફેલાયેલા ગંદકીના સામ્રાજ્ય સામે રહસ્યમય મૌન ધારણ કરી લીધું છે.
બીજી તરફ, આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજીદઅલી રાણાએ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનામાં નગરપાલિકાએ કરેલી કામગીરીથી નગરજનો અને વેપારીઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.વધુમાં જણાવ્યું કે “આઈ લવ આમોદ”ના બોર્ડ નીચેની જગ્યાની નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે પરંતુ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો ત્યાં કચરો ફેંકી જતા હોવાથી સવારે ફરી સફાઈ કરવાની ફરજ પડે છે.તેમ છતાં રજૂ થયેલી ફરિયાદને ગંભીરતાથી લઈને વધુ અસરકારક પગલાં લેવામાં આવશે.




