– વિવિધ રોગના નિષ્ણાત તબીબોએ દર્દીઓને નિઃશુલ્ક તબીબી સલાહ અને તપાસ પૂરી પાડી
રાજકોટ,
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન’ દ્વારા માનવ સેવાના હેતુસર તારીખ 28 જૂન ને રવિવારે રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા સોસાયટીના ગેટની અંદર આવેલા શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબોએ વિનામૂલ્યે તબીબી સલાહ અને તપાસ પૂરી પાડી હતી.આ કેમ્પમાં આશરે 700થી વધુ દર્દી નારાયણે લાભ લીધો હતો.
આ સર્વ રોગ નિદાન કેમ્પને નરેશભાઈ પટેલ અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન અને શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ (મેઈન યુવા)ની ટીમ દ્વારા નરેશભાઈ પટેલનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ઉપસ્થિત તમામ નિષ્ણાત તબીબોને નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓએ ખોડલધામને ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા.આ કેમ્પમાં સામાજિક-રાજકીય અગ્રણીઓએ ઉપસ્થિત રહીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.
આ તકે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના આ સમયમાં આરોગ્યની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ રોગનું પ્રિવેન્શન ખૂબ જ જરૂરી છે.ડોક્ટરો પણ દર્દીઓને પ્રિવેન્શન અંગે માર્ગદર્શન આપે તેવી અપીલ કરી હતી. સાથે જ મા ખોડલ સૌને નિરોગી રાખે તેવી પ્રાર્થના કરી હતી.
આ કેમ્પમાં વિવિધ રોગોના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની માનદ સેવા આપી હતી.જેમાં હૃદય રોગના નિષ્ણાત ડો. મનદીપ ટીલાળા, કેન્સર નિષ્ણાત ડો. શ્વેતા ટીલાળા, કાન, નાક, ગળું તેમજ મોઢાના કેન્સરના નિષ્ણાત ડો.મોનિલ પરસાણા, જનરલ ફિઝિશિયન ડો. ભાવેશ વિરાણી અને ડો. મયુર પટોળીયા, આંખના સર્જન ડો. અનુરથ સાવલિયા, કાન, નાક, ગળાના સર્જન ડો. મનસુખ રંગાણી, પેટ, આંતરડાના નિષ્ણાત તેમજ જનરલ સર્જન ડો. કેવિન અજુડીયા, સ્ત્રી રોગના નિષ્ણાત ડો. શ્રુતિ ચોવટીયા, હાડકાના ફ્રેક્ચર તેમજ સાંધા બદલવાના સર્જન ડો. કલ્પેશ રાણપરીયા, ચામડી, વાળ અને નખના રોગ ડો. હિરેન ઢોલરીયા, દાંત, પેઢા, મોં તેમજ જડબાના નિષ્ણાત/સર્જન ડો. મોહિત પાંભર અને ડો. મિતુલ સોજીત્રા, આયુર્વેદિક પદ્ધતિથી સારવારના નિષ્ણાત ડો. ધ્રુપલ સગપરીયા સેવા આપશે. કેમ્પ દરમિયાન કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ કેન્સર સોસાયટીના સહયોગથી વેલસ્કોપ મશીન દ્વારા મોઢાના કેન્સરની ખાસ તપાસ કરવામાં આવી હતી.સાથે જ જરૂરિયાતમંદ દર્દીઓને સીબીસી, કોલેસ્ટ્રોલ, યુરિન સહિતના રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દર્દીઓ માટે બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ અને હિમોગ્લોબીનની તપાસ પણ તદ્દન મફત કરી આપવામાં આવી હતી.આંખના દર્દીઓને નિઃશુલ્ક બેતાલાના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.
સવારે 8-30 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલા આ સર્વ રોગ નિદાન કેમ્પનો 700થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન તેમજ શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (મેઈન યુવા) ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.




