– મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ દુધધારા ડેરી નજીક રહેતા નિર્મલ નિષાદની અટકાયત : ચેન સ્નેચિંગના બે ગુનાઓને પણ અંજામ આપ્યા હોવાનું તપાસમાં ખુલ્યું
ભરૂચ,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં દઢાલ ગામ પાસે અમરાવતી ખાડી માંથી મળેલા બિનવારસી મૃતદેહના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.માત્ર મોટરસાયકલ મેળવવાના ઈરાદે મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ફોરેન્સિક રિપોર્ટ, મૃતદેહ પરના છૂંદણા અને CCTV ફૂટેજના આધારે પોલીસે 20 વર્ષીય મિત્ર આરોપીની ધરપકડ કરી છે.
ભરૂચના ભોલાવ વિસ્તાર માંથી 17 જૂનના રોજ પરેશ વસાવા ગુમ થયા બાદ તેમના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.જેની ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ આપી હતી.ત્યાર બાદ 20 જૂને અંકલેશ્વરના દઢાલ ગામ પાસે અમરાવતી ખાડીના બ્રિજ નીચેથી ડીકમ્પોઝ હાલતમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહના હાથ પરના છૂંદણાં અને અન્ય ઓળખના આધારે મૃતકની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી.
ફોરેન્સિક તપાસમાં આ કુદરતી મોત નહીં પરંતુ હત્યા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.તપાસ દરમ્યાન પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ ભરૂચની દુધધારા ડેરી નજીક રહેતો 20 વર્ષીય નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપીએ માત્ર મોટરસાયકલ મેળવવાના ઈરાદે દુધધારા ડેરી નજીક રહેતા પરેશ વસાવાની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપી પાસેથી મહત્વના પુરાવાઓ પણ કબજે કર્યા છે.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.આરોપી નિર્મલ રાજુ નિષાદ અગાઉ 2025માં પણ ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
અંકલેશ્વર પોલીસે માત્ર થોડા જ દિવસોમાં બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલી હત્યારા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. મિત્રતા, વિશ્વાસ અને લાલચ વચ્ચે ખેલાયેલા આ ખૂની ખેલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.




