– વિવિધ સંસ્થાઓના તેમજ રાજકીય પાર્ટીઓના આદિવાસી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઝઘડિયા બિરસા મુંડા ચોકથી ઝઘડિયા પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી!
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ગત સપ્તાહે ઝઘડિયાની યંગ લાયન્સ ગ્રુપના સંચાલક અને ભાજપના કાર્યકર એવા કરણસિંહ પરમાર ઉર્ફે લાલકા દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આદિવાસી સમાજના પ્રતિનિધિ વિરુદ્ધ ધૃણાસ્પદ અને અપમાનજનક અને નકસલી જેવા શબ્દો વાપરી એક પોસ્ટ મૂકી હતી.તે પોસ્ટના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તેના ભાગરૂપે આજરોજ ઝઘડિયાના બિરસા મુંડા ચોક ખાતે આદિવાસી વિવિધ સંસ્થાઓના આગેવાનો,ભાજપ, કોંગ્રેસ,આપ અને બીટીપી જેવી રાજકીય પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફરિયાદ નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને બિરસા મુંડા ચોકથી ઝઘડિયા પોલીસ સ્ટેશન સુધી રેલી દ્વારા પહોંચી એક આવેદનપત્ર ઝઘડિયા પોલીસ ઈન્સ્પેક્ટરને પાઠવ્યું હતું.
તેમના આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે આખો ઝઘડિયા વિસ્તાર બંધારણની કલમ ૨૪૪(૧) અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ પાંચમી અનુસૂચિનો વિસ્તાર છે,આ બંધારણીય ક્ષેત્રમાં સદીઓથી મૂળ નિવાસી આદિવાસી સમુદાયના લોકો શાંતિ ભાઈચારો અને દેશભક્તિ સાથે વસવાટ કરે છે,જેમને બંધારણ દ્વારા વિશેષ રક્ષણ આપવામાં આવ્યું છે,વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કરણસિંહ પરમાર રહે.ઝઘડિયા નામના બિન આદિવાસી વ્યક્તિએ જાહેર પ્લેટફોર્મ પર સમગ્ર આદિવાસી સમુદાય અને લોક પ્રતિનિધિ ચૈતર વસાવાને ટાર્ગેટ કરી અત્યંત નફરત ભરી અને દેશદ્રોહી કહી શકાય તેવી ટીપ્પણીઓ કરી છે,તેણે પોતાના જાહેરમાં દેખાતી કમેન્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે “નકસલી હોય તો ન ગમે ભાઈ એમાં શું છે! તેમજ આદિવાસી સમાજ માટે એના પાપના ઘડા ભરાઈ ગયા હતા એટલે પાપડી ભેગી ઇયર પણ બફાઈ જાય” તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર હજારો લોકો જુએ તે રીતે ડિજિટલ માધ્યમ પર આખા આદિવાસી સમુદાયને નકસલી તરીકે ચીતરવા એ શાંતિપ્રિય આદિવાસીઓની દેશભક્તિ અને સામાજિક પ્રતિષ્ઠા પર સીધો પુર્વ આયોજિત અને ઘાતક પ્રહાર છે, તેના આ કૃત્ય થી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપ્યો છે,આ સાથે તેમણે ગુનેગાર વિરુદ્ધ લાગતી પડતી સચોટ કાયદાકીય કલમો મુજબ કરણસિંહ પરમારે આ ગુનો ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જાહેર વ્યુમાં આચર્યો હોય તેની સામે વિવિધ કલમો હેઠળ સચોટ અને મજબૂત કલમો હેઠળ ગુનો નોંધી એફ.આઇ.આર કરવા અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ મુજબ,ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ તેમજ વારંવાર બનતી ઘટનાઓ અને કાયદાના શાસનની તાતી જરૂરિયાત તેમજ સમગ્ર આદિવાસી સમુદાયની માંગણીઓને તાકીને જણાવ્યું હતું કે જો આ બાબતે પોલીસ પ્રસાશન દ્વારા તુરંત ન્યાયિક અને સખત કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ પોતાના બંધારણીય હકો આત્મસન્માન અને સામાજિક શાંતિ ની રક્ષા કાજે કાયદાના દાયરામાં રહીને ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડશે,જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની રહેશે તેમ જણાવ્યું હતું.આ સાથે તેમણે આવેદનપત્ર સાથે કરણસિંહ પરમારે કરેલા સોશ્યલ મીડિયા પોસ્ટના સ્ક્રીનશોટની કોપી પણ સામેલ કરી હતી.




