ભરૂચના રુંગટા વિદ્યાભવન ખાતે ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ દ્વારા સિંધુ સંસ્કૃતિનો જીવંત પરિચય કરાવ્યો

SHARE:

ભરૂચ,

ભરૂચ સ્થિત રુંગટા વિદ્યાભવન ખાતે આજે મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ અનોખી પહેલ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય, મુંબઈ દ્વારા કરવામાં આવી હતી.જેમાં ઈન્ટેક (INTACH) ભરૂચ ચેપ્ટર સહયોગી સંસ્થા તરીકે જોડાયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક ભરૂચના સુજાતા રાવ દ્વારા વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. તેમણે ભરૂચના પ્રાચીન ઈતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ (સિંધુ સભ્યતા) સાથે સાંકળી વિદ્યાર્થીઓને તેના ઐતિહાસિક મહત્વ અને ભારતની પ્રાચીન સંસ્કૃતિના વૈભવ વિશે માહિતગાર કર્યા હતા.

ત્યાર બાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય, મુંબઈના પ્રતિનિધિએ વિદ્યાર્થીઓને ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ના અનોખા કોન્સેપ્ટ વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ દેશના વિવિધ વિસ્તારોમાં જઈ વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયનો અમૂલ્ય વારસો પહોંચાડવાનો છે,જેથી તેઓ ઈતિહાસ અને સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે અનુભવી શકે.

મ્યુઝિયમમાં ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રદર્શન, પ્રતિકૃતિઓ, માહિતીચિત્રો અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મ્યુઝિયમની મુલાકાત લીધી અને પ્રાચીન નગર આયોજન,જીવનશૈલી, કલા,હસ્તકલા તથા સાંસ્કૃતિક વારસા વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઈતિહાસ પ્રત્યે જિજ્ઞાસા અને સંશોધનવૃત્તિ વિકસાવવાનો તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન સરળ અને જીવંત રીતે પહોંચાડવાનો હતો.વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર અને જ્ઞાનવર્ધક અનુભવ સાબિત થયો હતો.રુંગટા વિદ્યાભવન દ્વારા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વારસા સંવર્ધનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ પોતાના દેશના ગૌરવશાળી ઈતિહાસ સાથે વધુ ગાઢ રીતે જોડાઈ શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!