– ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના દાવાઓ છતાં અકસ્માતો : ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમયાંતરે ચકાસણી કરે તે જરૂરી
ભરૂચ,
વાગરા તાલુકાની વિલાયત GIDC સ્થિત આરતી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ઈલેક્ટ્રિકલ મેન્ટેનન્સ દરમ્યાન સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જોકે ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મૂળ ઝારખંડના 24 વર્ષીય ગોવિંદયાસી શિવલાલયાસી અને કેલોડ ગામના દેવેન્દ્રસિંહ રાજ કંપનીના સેકશન નંબર-3માં ઈલેક્ટ્રિકલ પેનલમાં કેબલ નાખવાનું કામ કરી રહ્યા હતા.આ દરમ્યાન દેવેન્દ્રસિંહ લાકડાના પાટિયા પર ચડીને કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક પાટિયું તૂટી પડતાં ઇલેક્ટ્રિકલ કેબલ ખેંચાઈ ગયો હતો.કેબલ ખેંચાતા ઈલેક્ટ્રિકલ પેનલમાં જોરદાર શોર્ટ સર્કિટ સર્જાયો હતો.જેના કારણે આગ ભભૂકી ઊઠી હતી.આગે નજીકમાં રહેલા કેમિકલ પાવડરને પણ ઝપેટમાં લેતાં બંને કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક બચાવ કામગીરી હાથધરી બંને ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ બાદ ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અને મેન્ટેનન્સ દરમ્યાન અપનાવવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.ઉદ્યોગ વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો પૂરતા સલામતીના સાધનો અને તકેદારી રાખવામાં આવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.આ બનાવ અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.તપાસમાં દુર્ઘટનાના ચોક્કસ કારણો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા જ દિવસો અગાઉ સાયખા જીઆઈડીસી સ્થિત નીક્સન ફાર્માસ્યુટીકલ કંપનીમાં લિફ્ટમાંથી પટકાતા 54 વર્ષીય શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું.તે ઘટનાની શાહી હજુ સુકાઈ પણ નથી ત્યાં વિલાયત જીઆઈડીસીની આરતી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગતા બે કામદારો ગંભીર રીતે દાઝવાની ઘટના સામે આવી છે.એક પછી એક બની રહેલી આવી ગંભીર દુર્ઘટનાઓ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના દાવાઓની પોલ ખોલી રહી છે.પ્રશ્ન એ છે કે જો અગાઉની ઘટનામાં તંત્ર દ્વારા ખરેખર કડક કાર્યવાહી, અસરકારક તપાસ અને તમામ ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોનું સઘન પાલન કરાવવામાં આવ્યું હોત, તો કદાચ આવી બીજી ઘટના ટાળી શકાઈ હોત.
માત્ર નોટિસો આપીને કે કાગળ પરની કાર્યવાહી કરીને જવાબદારી પૂરી થઈ જતી નથી.જ્યારે શ્રમિકોના જીવ જોખમમાં મુકાય છે,ત્યારે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી,જવાબદારી નક્કી કરવી અને સુરક્ષા નિયમોના ભંગ બદલ દંડાત્મક પગલાં ભરવા અત્યંત જરૂરી બની જાય છે.જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય,તો આવી દુર્ઘટનાઓ ફરી ન બને તેની કોઈ ખાતરી નથી.હવે શ્રમિકોના જીવની સુરક્ષા માટે તંત્ર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં,પરંતુ કડક અને પરિણામલક્ષી પગલાં ભરે તેવી માંગ ઉદ્યોગ વિસ્તારોમાં જોર પકડી રહી છે.




