અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી શારદા સેન્થિટિક કંપનીમાં આગ : કોઈ જાનહાની નહીં

SHARE:

– આગને પગલે કામદાર પોતાનો જીવ બચાવવા ભાગતો નજરે પડ્યો : બે ફાયર બંબાની મદદથી મેળવાયો આગ પર કાબુ

– મશીનરી અને રો-મટીરિયલને મોટું નુકસાન થયું હોવાની ભીતિ છે જોકે સદ્દનસીબે કોઈ માનવ જાનહાનિ ન થતાં મોટી આફત ટળી

ભરૂચ,

અંકલેશ્વરની જીઆઈડીસી માં પ્લાસ્ટિક બનાવતી શારદા સેન્થિટિક કંપનીમાં આગનો બનાવ બનતા બે ફાયર બંબાની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વરમાં ફેક્ટરીઓમાં આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.ત્યારે મંગળવારની વહેલી સવારે જ્યારે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ હતો.ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શારદા સિન્થેટિક નામની કંપનીમાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.સિન્થેટિક મટીરિયલ્સ અને કેમિકલ પ્રોસેસિંગના કારણે આગે મિનિટોમાં જ આખી ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ અને કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા.જેના કારણે આસપાસની અન્ય કંપનીઓના મેનેજમેન્ટ અને શ્રમિકોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીની અંદર હાજર સિક્યોરિટી અને વહેલી સવારની શિફ્ટના કર્મચારીઓએ તુરંત જ બૂમાબૂમ કરી બહાર દોટ નીકળી ગયા હતા અને અંકલેશ્વર ફાયર સ્ટેશનને આપાતકાલીન કોલ કર્યો હતો.મેસેજ મળતાની સાથે જ 2 ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર લશ્કરોએ કંપનીની ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવી અંદાજે કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે,જોકે ઔદ્યોગિક સલામતી અને હેલ્થ વિભાગ તેમજ લોકલ પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ અને કંપનીમાં સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવનાર છે.આ દુર્ઘટનામાં કંપનીના મશીનરી અને રો-મટીરિયલને મોટું નુકસાન થયું હોવાની ભીતિ છે જોકે સદ્દનસીબે કોઈ માનવ જાનહાનિ ન થતાં મોટી આફત ટળી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!