ચૈતર વસાવા સામેની ખોટી FIR અને સજાના વિરોધમાં ૨ જુલાઈએ ડેડિયાપાડામાં ગર્જશે ‘આદિવાસી મહાસંમેલન’

SHARE:

– ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પછી પત્ની વર્ષાબેન વસાવાએ બાગડોર સંભાળી : આગેવાનો કાર્યકરોની બેઠક બોલાવી ઉગ્ર આંદોલન સાથે લડી લેવાની તૈયારી બતાવી

– ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને MPના આદિવાસી સંગઠનો ડેડિયાપાડાના પીઠા ગામે એકઠા થશે

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા દરેક સમાજના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 2 જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા” આયોજન કરવામાં આવશે. આ “સામાજિક જનસમર્થન સભા”માં અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ અને લોકોને સાથે રાખીને ઉપસ્થિત રહેશે.તારીખ 2 જુલાઈના રોજ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તમામ નવ લોકોને ન્યાય મળે એ માટે અવાજ ઉલંદ કરવામાં આવશે.

ચૈતર વસાવા પર જે ખોટા કેસો અને ખોટી એફ.આઈ.આર. (FIR) કરવામાં આવી છે, તેમજ કોર્ટના ચુકાદા બાદ પ્રશાસન દ્વારા જે પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું છે, તેનાથી આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજમાં ભારે રોષ છે. આ અન્યાય સામે લડવા માટે લોકો આપમેળે ચૈતરભાઈના સમર્થનમાં આગળ આવી રહ્યા છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી પ્રજાના નાના-નાના પ્રશ્નો હોય, પછી તે રસ્તાના હોય, શિક્ષણના હોય, પાણીના હોય, આરોગ્યના હોય, સનદની જમીનના હોય કે અન્ય સામાજિક પ્રશ્નો હોય આ તમામ મુદ્દાઓને તેઓ મજબૂતાઈથી ઉઠાવે છે, સરકાર સામે અવાજ બુલંદ કરે છે અને લોકોને ન્યાય અપાવે છે.પરંતુ આ ભારતીય જનતા પાર્ટી અને તેમાં બેઠેલા નેતાઓએ ફોરેસ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરીને તેમની પર ખોટી FIR દાખલ કરાવી. જેના લીધે તેમને અને અન્ય નવ જેટલા લોકોને પણ સાત-સાત વર્ષની સજા ફટકારવામાં આવી. એટલું જ નહીં, માત્ર ૧૭ દિવસનું બાળક પણ જેલમાં છે તેની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ કથળતી જાય છે, તેમ છતાં જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ અને સરકારના પેટનું પાણી હલતું નથી.

આગામી તારીખ ૦૨-૦૭-૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે ડેડિયાપાડાના પીઠા ગામ ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજના લોકો આ સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના તમામ સામાજિક સંગઠનો અને આગેવાનો પણ અહીં પધારવાના છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!