– સવારથી જ રાજપીપળા અને આજુબાજુના પંથકમાં વાદળો ઘેરાતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે નર્મદા જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. આજે વહેલી સવારથી જ રાજપીપળા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનોએ આખરે રાહતનો શ્વાસ લીધો છે.
રાજપીપળા શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાની સીઝનમાં પહેલીવાર નાગરિકોને છત્રી અને રેઈનકોટ પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી.
ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.છેલ્લા ઘણા સમયથી નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર પંથકમાં વરસાદ ન પડવાને કારણે ખેતીના પાક સુકાઈ રહ્યા હતા, જેને લઈને ખેડૂતો ચિંતિત હતા. જોકે, આજના સારા વરસાદ બાદ ખેડૂતોના મુખ પર સ્મિત જોવા મળ્યું છે અને ખેતીલાયક વરસાદ થતાં હવે વાવણી અને પાકને નવજીવન મળશે તેવી આશા બંધાઈ છે.વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીમાંથી મુક્તિ અનુભવી છે. સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને જોતા તંત્ર દ્વારા પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે.નર્મદા જિલ્લાના લોકો માટે આ મેઘમહેર લાંબા સમય પછી એક મોટી રાહત લઈને આવી છે.




