સાયખા GIDCમાં કેમિકલનો કાળો ખેલ? SHLOKKA DYES કંપની બહાર રંગીન પ્રવાહીનો વહેણ : વરસાદની આડમાં પ્રદૂષણ છુપાવવાનો પ્રયાસ?

SHARE:

ભરૂચ,

વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત SHLOKKA DYES કંપની સામે ફરી એકવાર ગંભીર પર્યાવરણીય સવાલો ઊભા થયા છે. કંપનીના મુખ્ય ગેટમાંથી શંકાસ્પદ કલરયુક્ત પ્રવાહી બહાર નીકળીને મુખ્ય માર્ગ પર અંદાજે 150 મીટર સુધી વહી રહ્યું હોવાનું દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.વરસાદની આડમાં કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની આશંકાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.સ્થળ પર જોવા મળતી સ્થિતિ એવી છે કે જાણે મુખ્ય માર્ગ પર કેમિકલનું તળાવ ભરાઈ ગયું હોય. આ માર્ગ પરથી રોજબરોજ સેંકડો વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકો પસાર થાય છે.આવી સ્થિતિ માનવ આરોગ્ય,પશુઓ તેમજ પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. માત્ર મુખ્ય માર્ગ જ નહીં, પરંતુ કંપનીની ચારે બાજુ પણ કલરયુક્ત પાણી જોવા મળતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે કંપનીની કામગીરી અંગે અનેક શંકાઓ જન્મી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી.સાયખા GIDCમાં વારંવાર કેમિકલયુક્ત પાણી, રંગીન તળાવો અને પ્રદૂષણના દૃશ્યો સામે આવતા હોવા છતાં જવાબદાર તંત્ર તરફથી કડક અને અસરકારક કાર્યવાહી થતી નથી.ચોમાસાની ઋતુ શરૂ થતાં જ કેટલાક ઉદ્યોગો વરસાદની આડમાં પ્રદૂષિત પ્રવાહી છોડતા હોવાના આક્ષેપો વર્ષોથી થતા આવ્યા છે,છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક સ્થળ તપાસ કરશે કે નહીં? જો આ કલરયુક્ત પ્રવાહી ખરેખર કેમિકલયુક્ત હોવાનું સાબિત થાય, તો જવાબદાર કંપની સામે પર્યાવરણ કાયદા મુજબ કડક દંડાત્મક કાર્યવાહી થશે કે ફરી માત્ર ઔપચારિક નોટિસો આપીને મામલો દબાવી દેવામાં આવશે? સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓએ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ, પાણીના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને દોષિત સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો સાયખા GIDCમાં વધતું પ્રદૂષણ ભવિષ્યમાં વધુ ગંભીર પર્યાવરણ સંકટનું સ્વરૂપ ધારણ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે આ માત્ર એક કંપની પૂરતો મુદ્દો નથી. સ્થાનિકોના આક્ષેપો મુજબ સમગ્ર સાયખા GIDCના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર રંગીન પાણી અને કેમિકલ જેવા દેખાતા પ્રવાહીના તળાવો નજરે પડે છે.ક્યાંક GIDCની ડ્રેનેજ લાઈનમાં લીકેજ હોવાનું કહેવાય છે તો ક્યાંક કેટલાક બેફામ ઉદ્યોગો દ્વારા નિયમોનો ભંગ કરીને પ્રદૂષિત પ્રવાહી છોડવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ દાવાઓમાં તથ્ય હોય તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આસપાસના ગામો, ભૂગર્ભ જળ, પશુધન અને સામાન્ય જનજીવન માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.હવે જરૂરી બની ગયું છે કે સંબંધિત તંત્ર સમગ્ર સાયખા GIDCમાં વિશેષ ઝુંબેશ હાથધરી દરેક શંકાસ્પદ સ્થળની તપાસ કરે,પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરાવે અને નિયમોનો ભંગ કરનાર સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના કડક કાનૂની કાર્યવાહી કરે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!