ભરૂચ,
આમોદ શહેર ભાજપ યુવા મોરચાના આયોજનમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો હતો.
આમોદ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રપ્રેમ અને માનવસેવાની ભાવનાને ઉજાગર કરતા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ધ્વનિ બ્લડ બેન્ક, વડોદરાના સહયોગથી આમોદના લક્ષ્મીનારાયણ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તથા નાગરિકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
કાર્યક્રમની શરૂઆત ભારતમાતા તેમજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની છબી સમક્ષ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.તેમજ લક્ષ્મીનાયરણ ભગવાનને પુષ્પમાળા અર્પણ કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ મયંક પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમે કેમ્પના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમિયાન અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી “રક્તદાન એ મહાદાન”ના સંદેશને સાર્થક બનાવ્યો હતો.
આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, મંત્રી સ્નેહા પરમાર, ભરૂચ જિલ્લા મહિલા મોરચાના મંત્રી મનીષા પટેલ, આદિવાસી મોરચાના જિલ્લા મંત્રી સતિષ વસાવા, આમોદ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ગીતા પટેલ, નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




