– ગધેડા સાથે અથડાયા બાદ યુવાન ડિવાઈડરની ગ્રીલ સાથે અથડાતા મોત
– પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
ભરૂચ,
ભરૂચના સ્ટેશન રોડ પર રાત્રીના સમયે ગધેડું રસ્તામાં આડે આવતા મોપેડ સવાર યુવક અથડાતા નીચે પાટકાયા બાદ ડિવાઈડર સાથે અથડાતા મોત નીપજતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથઘરી હતી.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ ઘી કુડીયા નજીક ગતરોજ મોડી રાત્રે એક કરૂણ અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો હતો. જેમાં 27 વર્ષીય ચિરાગ બાબુભાઈ પરમાર મોપેડ લઈ પાંચબત્તી તરફ પસાર થઈ રહ્યો હતો ત્યારે ઘીકુડીયા નજીક અચાનક માર્ગ વચ્ચે ગધેડું આવી જતાં તેણે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ પ્રયાસ દરમ્યાન મોપેડ પરનો કાબૂ ગુમાવતા તે માર્ગ પર પટકાયો હતો.અકસ્માતની ગંભીરતામાં વધારો ત્યારે થયો જ્યારે રસ્તાની બાજુમાં આવેલી તૂટેલી લોખંડની રેલિંગ સાથે તે જોરદાર અથડાયો હતો. રેલિંગનો ભાગ તેના માથામાં ઘૂસી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ ચિરાગનું કરૂણ મોત નીપજ્યું હતું.
એક નિર્દોષ પ્રાણીને બચાવવાનો માનવતાભર્યો પ્રયાસ અંતે તેના પોતાના જીવન માટે જીવલેણ સાબિત થયો હતો.યુવાનના અકાળ અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે,જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ આ દુર્ઘટનાએ લોકોને ભાવુક બનાવી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસાની સીઝન શરૂ હોય ત્યારે પશુ માલિકો પોતાના પશુઓ ને ખુલ્લા રોડ પર મૂકી દેવામાં આવતા હોય છે. જેના પગલે આવા અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે ભરૂચ તંત્ર દ્વારા રસ્તા પર રખડતા પશુઓના આતંકને દૂર કરવા કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે.




