– ઘટના સમયે દુકાન લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી
ભરૂચ,
અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મહાવીર ટર્નિંગ નજીક આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.કોમ્પ્લેક્સની છતનો એક હિસ્સો તૂટી નીચે આવેલી દુકાન પર પડતાં આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટના સમયે દુકાનમાં તેમજ આસપાસ લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાની કે ઈજા થઈ ન હોતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તે સમયે વધુ લોકો હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ શોપિંગ કોમ્પ્લેક્સની માળખાકીય સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.
સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કોમ્પ્લેક્સની સલામતી અંગે યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.




