ભરૂચ,
આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નદીની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોએ વરસાદના પાણી સાથે કેમિકલ યુક્ત પાણી છોડતા અચાનક અસંખ્ય માછલીઓના મોત થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.તેમજ મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી.
આમોદ નગર સહિત હાલ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ઢાઢર નદીના કિનારે આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદના પાણીની સાથે કેમિકલ યુક્ત પાણી છોડતા ઢાઢર નદીમાં જીવી રહેલા જળચર પ્રાણીઓના જીવન સામે ખતરો ઉભો કર્યો હતો.આજ રોજ સવારે દાદાપોર ગામ નજીક અસંખ્ય માછલીઓ નદીમાં તરતી જોવા મળી હતી તો બીજી અસંખ્ય માછલીઓ તરફડીયા ખાતા જોવા મળી હતી.ત્યારે જવાબદાર ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આવા કેમિકલ યુક્ત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે.
દાદાપોર ગામના સરપંચે મહેન્દ્રસિંહ ઠાકોરે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યું હોવાની આશંકા છે, જેના કારણે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઢાઢર નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે પણ કરતા હોય છે.ત્યારે લોકોના જીવન સાથે ગંભીર પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરી પાણીના નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરી જવાબદાર કંપની અથવા વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ લોકોમાં આશંકા વ્યક્ત થઈ રહી છે.




