– ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દોડી આવ્યા
– પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી
– સદ્દનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી
ભરૂચ,
ભરૂચ શહેરના કોર્ટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતાં મુખ્ય અને વ્યસ્ત માર્ગ પર અચાનક ભુવો પડતા વાહનચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
ભરૂચ શહેરના આઈકોનિક ગણાતા આ માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભુવો પડ્યાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો,અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.અકસ્માતની શક્યતા ટાળવા માટે માર્ગ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ભુવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
માર્ગ શહેરના મુખ્ય ટ્રાફિક રૂટ પૈકીનો એક હોવાથી થોડા સમય માટે વાહન વ્યવહારમાં પણ અસર જોવા મળી હતી.જોકે નગરપાલિકાની ત્વરિત કામગીરીને કારણે સ્થિતિ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.સદ્દનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી.




