ધાર્મિક ઉત્સવો પહેલા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધની માંગ સાથે સતચેતના પર્યાવરણ સંગઠનની ભરૂચ કલેક્ટરને રજૂઆત

SHARE:

ભરૂચ,

ભરૂચમાં સતચેતના પર્યાવરણ સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગણેશોત્સવ અને દશામા દરમ્યાન પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર કડક પ્રતિબંધ લાદવાની માંગ કરી છે.સંગઠને પર્યાવરણ અને જળાશયોના સંરક્ષણ માટે માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.

આગામી દિવસોમાં ધાર્મિક ઉત્સવ ગણેશોત્સવ અને દશામાના તહેવારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણના સંરક્ષણ માટે સત્ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર અસરકારક પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે.

સંગઠને રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માટીની મૂર્તિઓના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ અભિયાનના પરિણામે ભરૂચ જિલ્લામાં માટીની મૂર્તિઓના સ્થાપનમાં વધારો નોંધાયો છે.તેમ છતાં હજુ પણ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓનું ઉત્પાદન, વેચાણ અને કુદરતી જળાશયોમાં વિસર્જન થતું હોવાથી જળ પ્રદૂષણ અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાનું સંગઠને જણાવ્યું છે.

આવેદનમાં પર્યાવરણ સુરક્ષા અને જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને ઈકો-ફ્રેન્ડલી ઉજવણી અંગે કરેલા આહ્વાનને પણ ટાંકીને તંત્રને અસરકારક કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.સતચેતના પર્યાવરણ સંગઠને વર્ષ 2026ના ગણેશોત્સવ અને દશામાના તહેવારો દરમ્યાન પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર કડક પ્રતિબંધ અમલમાં મૂકવા, સંબંધિત નિયમોનું સખત પાલન કરાવવા તેમજ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટી તંત્રને જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.

સંગઠનના જણાવ્યા મુજબ આવા નિર્ણયો લેવાથી કુદરતી જળાશયો પ્રદૂષણથી સુરક્ષિત રહેશે, પર્યાવરણનું જતન થશે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારી અને જાગૃતિનો વિકાસ થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!