જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતથી દર્દીઓ પરેશાન : રોજ ૫૦૦ થી વધુ ઓપીડી છતાં પ મેડિકલ ઓફિસરની જરૂરિયાત સામે માત્ર એક જ કાર્યરત

SHARE:

– પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનની જગ્યાઓ પણ ખાલી

ભરૂચ,

જંબુસર શહેર અને તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો લોકો માટે આરોગ્ય સેવાઓનું મુખ્ય કેન્દ્ર ગણાતી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલમાં ડોક્ટરોની ગંભીર અછતનો સામનો કરી રહી છે.પરિણામે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૫૦૦થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે.આટલી મોટી દર્દી સંખ્યાની સામે હોસ્પિટલમાં પાંચ મેડિકલ ઓફિસરની જરૂરિયાત હોવા છતાં હાલમાં માત્ર એક જ મેડિકલ ઓફિસર ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.એક જ ડોક્ટર પર ભારે કામનો બોજ હોવાથી દર્દીઓને લાંબી રાહ જોવી પડે છે અને સમયસર સારવાર મેળવવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.પરિસ્થિતિને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) તેમજ ફિઝિશિયન (મેડિસિન નિષ્ણાત) જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે બાળકો, વૃદ્ધો તેમજ ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને અન્ય શહેરોની હોસ્પિટલોમાં સારવાર માટે જવું પડે છે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વધારાનો બોજ સહન કરવો પડે છે.જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.એ.એ.લોહાણીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ડોક્ટરોની અછત અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં હજુ સુધી નવી નિમણૂકો કરવામાં આવી નથી, જેના કારણે હાલની આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી રહી છે.સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનોનું કહેવું છે કે જંબુસર તાલુકાની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં તાત્કાલિક પૂરતી સંખ્યામાં મેડિકલ ઓફિસરો તેમજ નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે જેથી દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સમયસર સારવાર મળી રહે.

હાલની સ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી જંબુસર તાલુકાની જનતામાં પ્રબળ માંગ ઉઠી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!