ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ વહીવટી તંત્ર એક્શન મોડમાં : ઘરે-ઘરે સર્વેલન્સ અને સેન્ડફ્લાયના ઉપદ્રવને રોકવા માલથિયન પાવડર ડસ્ટિંગની કામગીરી

SHARE:

– અચાનક તાવ, ઉલ્ટી કે માથાના દુખાવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા તંત્રની નાગરિકોને અપીલ

ભરૂચ,

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે.જિલ્લામાં વાયરસના સંક્રમણને અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સઘન સર્વેલન્સ અને આગોતરા આયોજનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિને ધ્યાને રાખીને DHS પ્રોગ્રામ કમિટી, CHC અને PIU સમીક્ષા બેઠક તેમજ ચાંદીપુરા પીડિયાટ્રિક (બાળરોગ) સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠક દરમ્યાન જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો હોવાથી,બાળકોની વિશેષ સારવાર અને વ્યવસ્થાપન માટે ખાસ પીડિયાટ્રિક બેઠકનું આયોજન કરીને તકેદારીના પગલાંની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની ૩૭૪ જેટલી ટીમો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને અનુલક્ષીને સઘન સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસોનું વહેલું નિદાન થાય તે માટે આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ સાથે જ વાયરસ ફેલાવતી સેન્ડફ્લાય (રેતીની માખી) ના ઉપદ્રવને રોકવા માટે જરૂરી જંતુનાશક દવાઓનો છંટકાવ અને માલથિયન પાવડર ડસ્ટિંગની કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી છે.ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૧૪ વર્ષથી નાના બાળકોને અસર કરે છે.જેમાં અચાનક સખત તાવ આવવો, ઉલ્ટી થવી, માથાનો દુખાવો કે બેભાન અવસ્થા જેવા લક્ષણો જોવા મળે છે. જો બાળકમાં આવા કોઈ પણ લક્ષણો જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વહીવટી તંત્ર દ્વારા તમામ સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી જનતાએ ગભરાવાને બદલે માત્ર સજાગ અને જાગૃત રહેવું. તંત્ર દ્વારા તમામ સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી જનતાને ગભરાવાને બદલે જાગૃત રહેવા અનુરોધ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!