(ગણપત મકવાણા,પંચમહાલ)
કિશોરીઓમાં આરોગ્ય વિષયક સજાગતા વધે અને તેઓ સરકારી આરોગ્ય તંત્રની વિવિધ કામગીરીથી માહિતગાર થાય તેવા શુભ આશય સાથે આજરોજ બાલિકા પંચાયત જાંબુઘોડા દ્વારા એક વિશેષ શૈક્ષણિક અને ક્ષેત્રિય વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલિકા પંચાયતના સરપંચ,ઉસરપંચ અને સભ્યોએ આંગણવાડી કેન્દ્ર જાંબુઘોડાના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જાંબુઘોડાની સત્તાવાર મુલાકાત લીધી હતી.
આ ક્ષેત્રિય પ્રવાસ દરમ્યાન બાલિકા પંચાયતના હોદ્દેદારો ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.CHC સેન્ટર ખાતે ઉપસ્થિત ડૉક્ટર અને આરોગ્ય સ્ટાફ દ્વારા દીકરીઓને હોસ્પિટલના વિવિધ મહત્વપૂર્ણ વિભાગોની રૂબરૂ મુલાકાત કરાવીને તેની કામગીરી સમજાવવામાં આવી હતી.
મુલાકાત દરમ્યાન દીકરીઓને હોસ્પિટલના બાળ જન્મ અને શસ્ત્રક્રિયા અંગેની સામાન્ય જાણકારી, કિશોરાવસ્થા દરમ્યાન થતા શારીરિક-માનસિક ફેરફારો અને પોષણ અંગેનું માર્ગદર્શન દવા-ગોળી સ્ટોર રૂમ તથા ડ્રેસિંગ રૂમ મફત નિદાન અને નિઃશુલ્ક દવા વિતરણ પદ્ધતિ,કટોકટીના સમયની ઈમરજન્સી સેવાઓ અને રક્તદાનનું મહત્વ,કુપોષિત બાળકોની વિશિષ્ટ સંભાળ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ ઉપરાંત સ્થળ પર હાજર ડૉક્ટર દ્વારા હોસ્પિટલની દૈનિક કામગીરી, કિશોરી આરોગ્ય અને સરકારી યોજનાઓ હેઠળ મળતી આરોગ્ય વિષયક સેવાઓ અંગે દીકરીઓને સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ‘દીકરી વધામણા કીટ’ નું સન્માનપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.બાલિકા પંચાયતની દીકરીઓ માટે આ પ્રવાસ માત્ર માહિતીપ્રદ જ નહીં પરંતુ નેતૃત્વ ગુણો અને આરોગ્ય ક્ષેત્રે નવી જાગૃતિ કેળવનારો સાબિત થયો હતો.




