– ત્રીજી વખત દિવાલ ધરાશય થતા પાલિકાના તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો
– આશરે ૧૫ મીટર જેટલી દીવાલ જમીન દોસ્ત થઈ : હજુ પણ દીવાલનો અન્ય હિસ્સો જોખમી હાલતમાં
ભરૂચ,
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના મનોરંજન માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હાઈપ્રોફાઈલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કની સુરક્ષા દીવાલ તૂટવાની ત્રીજી ઘટના સામે આવતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરમાં વર્ષ ૨૦૨૩ માં કરોડો રૂપિયાના ખર્ચે સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક તૈયાર કરવામાં આવ્યો હતો. જે પાર્કની દિવાલ વરસાદમાં ત્રીજી વાર તૂટી જતા તેના બાંધકામ સામે સવાલો ઉભા થયા છે.જીઆઈડીસી અને શહેરને જોડતા વિસ્તારમાં આવેલા આ લેકવ્યુ પાર્કની પાછળથી પસાર થતી વરસાદી કાંસના પાણીના વહેણને કારણે આશરે ૧૫ મીટર જેટલી દીવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.આ ઉપરાંત, તેની બાજુની અન્ય ૩૦ થી ૩૫ મીટર જેટલી દીવાલ પણ નમી ગઈ છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી જોખમી સ્થિતિમાં ઉભી છે. આ ઘટના સમયે પાર્કમાં કોઈ મુલાકાતી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.જોકે, અવારનવાર બનતી આવી ઘટનાઓથી મુલાકાતીઓ અને નાના બાળકોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર આ પાર્ક બન્યાને હજુ બહુ લાંબો સમય થયો નથી છતાં વારંવાર દીવાલ તૂટવાની ઘટનાઓ પાછળ હલકી કક્ષાનું મટીરિયલ અથવા નબળું પ્લાનિંગ જવાબદાર હોઈ શકે છે.વરસાદી કાંસના પાણીના નિકાલ અને જમીનના ધોવાણને રોકવા માટે એન્જિનિયરિંગના સ્તરે યોગ્ય કાળજી રાખવામાં આવી ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. તે દિવાલ તો હજુ એમની એમ જ છે! આ દીવાલ વોકિંગ સ્ટ્રીટ છે તેની ફરતે જે ગોળ દિવાલ બનાવી છે તે પણ આજે પડી છે એટલે તંત્રની કેટલી હદે બેદરકારી બહાર આવી છે!તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લું સમારકામ કરીને સંતોષ માની લેવામાં આવતો હોવાથી દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
આ ગંભીર મુદ્દે જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, નગરપાલિકા દ્વારા કોઈ તટસ્થ કે થર્ડ પાર્ટી એજન્સી પાસે આ સમગ્ર બાંધકામનો ‘સ્ટેબિલિટી રિપોર્ટ’ તૈયાર કરાવવામાં આવે તેમજ નબળી ગુણવત્તાનું કામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
આગામી દિવસોમાં જો નમી ગયેલી જોખમી દીવાલનું કાયમી ધોરણે મજબૂત નવું બાંધકામ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.




