ભરૂચ જીલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત : શાળાઓમાં રજા જાહેર કરાઈ

SHARE:

– ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર

– કામ વગર લોકોએ બહાર ન નીકળવા તંત્રની અપીલ : ઈમર્જન્સી હોય તો તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરવા જણાવાયુ

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો.જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી.

ભરૂચ શહેરના કસક વિસ્તાર,સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ચાર રસ્તા, લિંક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.કેટલાક સ્થળોએ પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચ શહેર અને તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમ્યાન તાલુકાવાર નોંધાયેલ વરસાદ મુજબ જંબુસરમાં 9 મીમી, આમોદમાં 6 મીમી, વાગરામાં 10 મીમી, ભરૂચમાં 10 મીમી, ઝઘડિયામાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં 15 મીમી, હાંસોટમાં 2 ઈંચ, વાલિયામાં 1 ઈંચ અને નેત્રંગમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.સવારના સમયે પડેલા ધોધમાર વરસાદના પગલે શહેરના ફુરજા વિસ્તાર પાણી ભરાતા 400 થી વધુ વેપારીઓને કામ ધંધો બંધ કરવાની ફરજ પડી હતી.બીજી તરફ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વરસાદના આગમનથી ખેતીની કામગીરીને વેગ મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.વરસાદને કારણે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

વરસાદી સ્થિતિને પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.તો કામ વગર લોકોને બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા અપીલ કરવા સાથે ઈમર્જન્સી જણાઈ તો તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!