– 1.922 કિલો ગાંજો મળી આવતા 96,100 નો મુદ્દામાલ જપ્ત : અટકાયત કરી કાર્યવાહી
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારેનો ડ્રગ્સ ઈન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત ભરૂચ એસઓજીએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના અને એસઓજી પીઆઈ એ.વી.પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કંથારીયા રોડ પર જીનત બંગ્લોઝ પાછળ આવેલા ખૂબેબ પાર્ક-1માં રહેતો મહંમદ સલીમ અબ્દુલહમીદ શેખ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે.
બાતમીના આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડતા મહંમદ સલીમ અબ્દુલહમીદ શેખ પાસેથી 1.922 કિલો ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂ.96,100 થાય છે.પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.
આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં રાકેશ સલાવત નામનો ઓડિશાનો એક શખ્સ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.પોલીસે તેની શોધખોળ સહિત વધુ તપાસ હાથધરી છે.




