– વહેલી સવારે ધરાશાયી થતા સદ્દનસીબે કોઈ જાનહાની નહીં : ભરૂચ નોટિફાઈડ દ્વારા જીપીસીબીને નોટિસ ફટકારી : બાજૂના સો-મીલમાં કાટમાળ પડ્યો
ભરૂચ,
ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સો-મીલની બાજુમાં આવેલી અત્યંત જર્જરિત ઈમારત શુક્રવારે વહેલી સવારે ધરાશાયી થઈ હતી.ઈમારતનો ભાગ સો-મીલમાં પડતાં ભારે નુકશાન થયું હતું. સદનશીબે વહેલી સવારે ઘટના બની હોઈ કોઈને જાનહાની થવા પામી ન હતી.ઘટનાને પગલે ભરૂચ જીઆઈડીસીએ જીપીસીબીને સત્વરે તેમનો કાટમાળ દૂર કરવા નોટિસ આપી છે.
ભરૂચ જીઆઈડીસીમાં આવેલી વિશ્વકર્મા સો-મીલના સંચાલક કેવલકુમાર પટેલે સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૧માં આવેલાં ભુકંપમાં તેમની બાજુમાં આવેલી જીપીસીબીની ઈમારતને ભારે નુકસાન થયું હતું. જે તે સમયે જીપીસીબીને ઈમારત ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં તેમણે કોઈ કાર્યવાહી કરી નહતી. જેના કારણે જીપીસીબીની ઈમારત અકસ્માતને ઈજનની સમાન ઉભી હતી.અરસામાં શુક્રવારે વહેલી સવારે જીપીસીબીની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.ઈમારત પડવાના અવાજને કારણે આસપાસના ઔદ્યોગિક એકમોમાં ભુકંપ આવ્યો હોય તેવો ફફડાંટ ફેલાયો હતો.દરમ્યાનમાં વિશ્વકર્મા સો-મીલના સંચાલકો તેમજ અન્ય લોકો સ્થળ પર દોડી આવતાં ઈમારત પડી હોવાનું માલુમ પડયું હતું. જીપીસીબીની જર્જરિત ઈમારતનો કાટમાળ તુટીને બાજૂમાં આવેલી વિશ્વકર્મા સો-મીલમાં પડતાં તેમને પણ ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.બીજી તરફ તેમને જીઆઈડીસીમાં ઘટનાની ફરિયાદ કરતાં ભરૂચ જીઆઈડીસીએ જીપીસીબી કચેરીને કે જે થોડા સમય પહેલાં જ ભરૂચથી દહેજ-૨માં શિફ્ટ થઈ છે.તેને લેટર લખી તુરંત તેમનો કાટમાળ દૂર કરવા માટે સૂચના આપી હતી.
૨૦૦૧માં આવેલાં ભુકંપમાં જીપીસીબી કચેરીની ઈમારત આખી ખરાબ થઈ ગઈ હતી. જોકે, તેમણે ઈમારત ઉતારી ન હતી. આજે વહેલી સવારે ઈમારત તુટી પડતા જે કાટમાળ અમારા કંપાઉન્ડમાં પડ્યો છે ત્યાં અમારા કર્મચારીઓ અલગ-અલગ પ્રકારના કામ કરતાં હોય છે. જો, આ ઘટના દિવસના સમયે બની હોત તો અમારા કોઈ કર્મચારીનો ભોગ લેવાઈ જાત તેમ ભરૂચ જીઆઈડીસી માં આવેલ વિશ્વકર્મા સો મીલના કેવલ પટેલે જણાવ્યું હતું.




