– લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા સમગ્ર જિલ્લામાં સ્ટેટ અને પંચાયત હસ્તકના તમામ માર્ગોને પૂર્વરત કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ
ભરૂચ,
તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા હતા.જેનાથી વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત) દ્વારા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે ધોવાયેલા અને નુકસાન પામેલા તમામ રસ્તાઓનું સમારકામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામ ખાતેના એપ્રોચ નાળું ધોવાઈ ગયું હતું. એ જ રીતે જંબુસર તાલુકાના તેમજ આમોદ તાલુકાના માલકીનપૂરા ધમણાદ રોડ, કોબલા વણછરા બ્રિજ ખાતે પણ વહીવટીતંત્ર દ્વારા રસ્તાઓને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવા માટે જરૂરી સાધન-સામગ્રી અને માનવબળ કામે લગાડી દેવામાં આવ્યા છે.માર્ગ અને મકાન વિભાગની આ સક્રિય અને ઝડપી કામગીરીથી ટૂંક સમયમાં જ જિલ્લાના તમામ માર્ગો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને સુલભ બની જશે, જેથી લોકોનું જનજીવન ફરીથી સામાન્ય અને સરળ બની શકે. હાલમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.




