દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એક જ દિવસમાં બે અકસ્માતની ઘટનામાં બે ડ્રાઈવરોના મોત

SHARE:

– દોરા ગામ પાસે ટ્રક ચાલકે ટ્રક નીચે સૂતેલા સાથી ડ્રાઈવરને કચડી નાખ્યો

– સીમરથા ગામ પાસે સર્વિસ લાઈન ઉપર ઉભેલી ટ્રક પાછળ દૂધ ભરેલો ટેમ્પો ઘૂસી જતા ચાલકનનું મોત થયું

આમોદ,

દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ગત રોજ સવારના અને સાંજના સમયે અકસ્માતની બે ઘટનાઓ બની હતી.જેમાં એક અકસ્માતમાં સાથી ડ્રાઈવરે જ ટ્રક નીચે સૂતેલા મિત્ર ડ્રાઈવરને કચડી નાંખતા ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા તેનું મોત થયું હતું. જ્યારે બીજા અકસ્માતમાં દૂધ ભરેલા ટેમ્પો ચાલકે એક્સપ્રેસ હાઈવે ઉપર કોઈપણ સાઈડ લાઈટ વિના ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ઘુસાડી દેતા તેનું ચગદાઈ જવાથી મોત થયું હતું.આમોદ પોલીસે બંને કિસ્સામાં અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ગત રોજ સવારના ૮:૩૦ કલાકે સીમરથા પાસે એક ટ્રક સર્વિસ લાઈન ઉપર કોઈપણ જાતના આડસ કે રિફ્લેક્ટર લાઇટ બતાવ્યા વિના ઉભી હતી. ત્યારે પાછળથી આવતા મધર ડેરીના ટેમ્પો ચાલકે સર્વિસ લાઇન ઉપર ઉભેલી ટ્રક નહી જોતા પાછળથી ઘુસાડી દીધી હતી. જેમાં મધર ડેરીના ૨૫ વર્ષીય ટેમ્પો ચાલક વિશાલ ગોપાલ સુથાર રહે.કારંટા તા.ખાનપુર જી.મહીસાગરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.આમોદ પોલીસે એક્સપ્રેસ હાઈવેના સર્વિસ લાઈન ઉપર કોઈપણ હેઝાર્ડ લાઈટ કે ચેતવણી સાઈન બોર્ડ લગાવ્યા વિના ઊભી રાખેલ અશોક લેલન ટ્રકના ડ્રાઈવર ઈશ્વર સોમા નિસરતા રહે.નાના સલરા તા.ફતેપુરા જી.દાહોદ સામે અકસ્માત મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અકસ્માતની બીજી ઘટનામાં દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર દોરા ગામ પાસે ગત રોજ સાંજના સમયે અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી.જેમાં એક જ ટ્રક ઉપર ફરજ બજાવતા સાથી ડ્રાઈવરના હાથે જ અજાણતા તેના ડ્રાઈવર મિત્રનું મોત થયું હતું.દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર દોરા ગામ નજીક હોટલ જગદીશ પાસે અજય હાથિયા અને પ્રકાશ ચાવડા પોતાના કબજા માંની ૧૬ ચક્કાવાળી ભારે ટ્રક સાથે આવ્યા હતા.હોટેલ જગદીશ પાસે ટ્રક ઉભી રાખ્યા બાદ અજય હાથિયા પોતાના સાથી પ્રકાશ ચાવડાને શોધવા માટે હોટેલ તરફ ગયો હતો.પરંતુ પ્રકાશ ચાવડા નજરે નહી પડતા તેણે ધારણા બાંધી લીધી હતી કે કદાચ હોટેલની અંદર કે આસપાસ હશે ત્યાર બાદ અજય હાથિયાએ કોઈ જ ખાતરી કર્યા વગર ટ્રક આગળ વધારતો હતો.પરંતુ તેને અંદાઝ પણ નહોતો કે પ્રકાશ ચાવડા આરામ કરવા માટે ટ્રકની નીચે સૂઈ ગયો હતો.ટ્રક ચાલતાની સાથે જ ટ્રકના તોતિંગ પૈડાં પ્રકાશ ચાવડા ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આમોદ પોલીસે અકસ્માત કરનાર સાથી મિત્ર સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સર્વિસ લાઈન ઉપર ઊભા રહેલા વાહનોથી અકસ્માતના અસંખ્ય બનાવો બની ચૂકયા છે ત્યારે વાહનચાલકોએ કાળજી રાખી વાહનો પાર્ક કરવા જોઈએ જેથી મોટા અકસ્માત નિવારી શકાય.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!